મેં પાછલાં 22 વર્ષમાં મારા ખેતરમાં 22 બોર ખોદાવ્યા છે. એમાંથી અમુકની ઊંડાઈ તો 1350 ફૂટ સુધી કરાવી હતી. પરંતુ તેમાંથી એકેયમાં પાણી નથી મળ્યું.”
રાજકોટના ખારેચિયા ગામના 65 વર્ષીય ખેડૂત ધનજીભાઈ પોતાના ખેતરની સિંચાઈ માટે પાણીની જોગવાઈ કરાવવા પોતે કરેલા પાછલા બે દાયકાના નિષ્ફળ પ્રયત્નો અંગે હતાશા વ્યક્ત કરતાં કંઈક આવું કહે છે.
તેઓ બોરમાં પાણી ન મળવાને કારણે પરિવારે ભોગવવી પડી રહેલી હાલાકી અંગે કહે છે કે, “હવે અમે છોકરાને શહેરમાં મોકલી દીધા છે. કારણ કે ખેતીમાં ઘર ચાલે એવું નથી. હવે માત્ર થોડો ટેકો થઈ રહે એટલા પૂરતી ખેતી કરીએ છીએ.”
ખેડૂત ધનજીભાઈના જણાવ્યાનુસાર તેમણે ખેતરમાં કયા સ્થળે બોર ખોદાવવો એ નિશ્ચિત કરવા માટે અલગ અલગ ગામોથી ઘણા લોકોને બોલાવ્યા. જેમણે કેટલીક પરંપરાગત પદ્ધતિઓ વડે જમીનમાં ભૂગર્ભજળની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એ તમામ રીતો નિષ્ફળ નીવડી હતી.
અંતે તેમણે સરકારી વિભાગમાંથી પણ મદદ લીધી હોવાનો દાવો કર્યો. તેમનો આ પ્રયત્નેય નિષ્ફળ નીવડ્યાની વાત તેઓ કરે છે.
તેઓ વર્ષો સુધી આ પ્રક્રિયા પાછળ થયેલા ખર્ચ અંગે નિરાશ અવાજે કહે છે કે, “આ પ્રક્રિયામાં અત્યાર સુધી મારા લાખો રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે.”
ધનજીભાઈની માફક ગુજરાતમાં હાલ ઘણા ખેડૂતો અને અન્ય જરૂરિયાતમંદ લોકો ખેતી-ધંધા અને વપરાશાર્થે ભૂગર્ભજળ મેળવવા બોર ખોદાવ્યા છતાં તેમાં પાણી ન મળવાની કે બોર નિષ્ફળ જવાની ફરિયાદ કરતા જોવા મળે છે.
ઉપરાંત તેમની જ માફક ઘણા લોકો, ખાસ કરીને ખેડૂતો ખેતરમાં કે જે તે સ્થળે ભૂગર્ભજળ મળી રહે એ માટેનું ચોક્કસ સ્થાન તપાસવા હાથમાં શ્રીફળ રાખીને ચાલવા સહિતની પરંપરાગત રીતોનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં કરે છે. વર્ષોથી ઉપયોગમાં લેવાતી આ પરંપરાગત પદ્ધતિઓ ખેડૂતો અને અન્ય લોકો કારગત હોવાનોય દાવો કરે છે.
હવે જ્યારે મસમોટા ખર્ચે બોર ખોદાવ્યા બાદ પાણી ન મળવાની ઘટનાઓ સામે આવતી થઈ છે ત્યારે જમીનમાં ભૂગર્ભજળ ખરેખર ક્યાં અને કેટલે ઊંડે છે એ જાણવા માટેની કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિ છે કે કેમ એ પ્રશ્ન પણ લોકોના મનમાં કુતૂહલ જગાવે એ સ્વાભાવિક છે.
બીબીસી ગુજરાતીએ નિષ્ણાતો અને પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરનારા લોકો સાથે વાત કરીને પ્રશ્ન અંગે સ્પષ્ટતા મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભૂગર્ભજળની સ્થિતિ જાણવા માટે મોટા પ્રમાણમાં આ કામના કહેવાતા અનુભવીઓ અને પરંપરાગત રીતો પર ભરોસો કરાય છે. ગુજરાતમાં જ આ વલણનાં ઘણાં ઉદાહરણો મળે છે.
તેમાંથી જ એક છે તાપી જિલ્લાના વાંકલા ગામમાં રહેતા વિરલ ચૌધરી છે જેઓ આંબા અને કપાસની ખેતી કરે છે.
તેઓ પોતાના અનુભવ વિશે કહે છે કે, “મારા ખેતરમાંય બોરવેલ છે. અમે વર્ષો ભૂગર્ભજળની શોધ માટે વર્ષો જૂની શ્રીફળ પદ્ધતિમાં માનીએ છીએ. જે માટે અમે ગામના અનુભવી- નિષ્ણાત વ્યક્તિને બોલાવીએ છીએ. આ પ્રક્રિયામાં તેઓ હાથમાં શ્રીફળ લઈને ખેતરમાં આંટો મારે છે અને પાણી ક્યાં છે તે કહી બતાવે છે.”
તેઓ ભૂગર્ભજળનો અંદાજ મેળવવા માટેની અન્ય પદ્ધતિઓ અંગે વાત કરતાં કહે છે કે, “આ કામના અનુભવી માણસ ટીમરુ (જેનાં પાનમાંથી બીડી બનાવાય છે)ના ઝાડની નાની ડાળખી હાથમાં લઈને ચાલે અને જે સ્થળે તે ઊભા રહી જાય ત્યાં પાણી મળે છે.”
તેઓ ભૂગર્ભજળ અંગે અંદાજ મેળવવા માટે આધુનિક સમયમાં વિકસાવાયેલી પદ્ધતિઓ અંગે જાણતા હોવાનું જણાવતાં કહે છે કે, “આ કામ માટે મશીનો ચોક્કસ વિકસિત કરાયાં છે. પરંતુ જો અમને શ્રીફળ જેવી પદ્ધતિઓથી ચોક્કસ પરિણામ મળતાં હોય તો અમે શા માટે મશીનોનો ઉપયોગ કરીએ. છેવટે મશીન મોંઘાં પણ હોય છે. ભૂગર્ભજળ વિશે જાણકારી મેળવવા માટેની મશીનો રાખવાનું માત્ર મોટા ખેડૂતોને પરવડે એવું છે. અમે તો પરંપરાગત પદ્ધતિથી જ સંતુષ્ટ છીએ.”
આવા જ બીજા ખેડૂત છે ગાંધીનગરના દહેગામ તાલુકાના મોહનલાલ. તેમણે પોતાના ખેતરમાં બોર ખોદવાની જગ્યા નિશ્ચિત કરવા માટે 'બ્રાહ્મણ બોલાવ્યા' હોવાનું જણાવ્યું હતું.
મોહનલાલ જણાવે છે કે, “હું ખેતરમાં બટાકા, મગફળી અને કપાસની ખેતી કરું છું. અમે ગામના બ્રાહ્મણને બોલાવ્યા અને તેમના સૂચન પ્રમાણે બોરવેલ ખોદવાનું નક્કી કર્યું હતું.”
જામનગરના ચંદ્રગઢ ગામમાં રહેતા કમલેશભાઈ ઢોલરિયા પણ ખેડૂત છે. તેઓ ભૂગર્ભજળની તપાસ અંગેની વધુ એક પરંપરાગત રીતનો અમલ કરી બોર ખોદાવ્યા હોવાની વાત કરે છે.
“અમારે ચાર બોર છે, અમારા પાડોશી ખેતરમાં ચાલીને ભૂગર્ભજળનું ચોક્કસ સ્થાન અને ઊંડાઈ અંગે અંદાજ કાઢવામાં નિષ્ણાત છે.”
“તેઓ લાકડી પકડીને ચાલે અને ભૂગર્ભજળ અંગે અંદાજ મૂકે છે. અમારા પાડોશીને આ બાબતે કુદરતની દેન છે. તેમણે કરેલા અનુમાન પ્રમાણે દરેક વખત જમીનમાંથી પાણી મળી આવ્યું છે.”
તેઓ આ પદ્ધતિ વિશે વાત કરતાં કહે છે કે, “આવી રીતે લાકડી લઈને ચાલીને નિષ્ણાત ખેતરમાં ચાર-પાંચ જગ્યા બતાવે છે. એક પછી એક આ સ્થળોએ બોર ખોદવાનું કામ ચાલુ કરાય છે. 100 ફૂટ જેટલું ખોદકામ કર્યા છતાં પાણી ન મળે તો બીજા સ્થળે ખોદકામ કરાય છે. જે પૈકી એકાદમાં તો પાણી મળી જ જાય છે.”
કમલેશભાઈ પણ આધુનિક વૈજ્ઞાનિક તકનીકોની મર્યાદા અંગે દાવો કરતાં કહે છે કે ગામમાં આ પ્રક્રિયા માટે ઘણા લોકોએ મશીનોનો ઉપયોગ કર્યો છે, તેમ છતાં પાણી ન નીકળ્યાના બનાવો નોંધાયા છે, ઉપરાંત આ પ્રક્રિયા ‘ખૂબ ખર્ચાળ’ છે.