1996ના વિશ્વ કપમાં ભારતે પાકિસ્તાન વિરુદ્ધ બૅંગલુરુમાં હાઈ-પ્રેશર ક્વાર્ટર ફાઇનલ મૅચ જીતી તેનો ઉન્માદ એટલો જબરો હતો કે તેના ચાર દિવસ પછી શ્રીલંકા સામેની સેમી ફાઇનલ મૅચ સુધી ભારતીય ટીમ તેમાંથી બહાર આવી શકી ન હતી.
ભારતીય ટીમના કોચ અજિત વાડેકર જાણતા હતા કે એક મોટી મેચ જીત્યા બાદ બધી બાબતોને સામાન્ય ગણવાની ભારતીય ટીમની આદત છે.
સંજય માંજરેકરે પોતાની આત્મકથા ‘ઇમ્પર્ફેક્ટ’માં લખ્યું છે, “મને યાદ છે કે એક દિવસ મૅચ જીત્યા પછી અમે બધા પ્લેનમાં એકમેકની સાથે મસ્તી કરતા હતા. એ સાંજે હોટલમાં ટીમ મીટિંગ દરમિયાન અજિત વાડેકર અમારા પર અચાનક ગુસ્સે થઈ ગયા અને કહ્યુ, "તમે પોતાને શું સમજો છો? તમે ટુર્નામેન્ટ જીતી લીધી છે? ફ્લાઇટમાં શું થઈ રહ્યું હતું? એ કેવું વર્તન હતું?”
શ્રીલંકા સામેની સેમી ફાઇનલ પહેલાં પણ અજિત વાડેકર એવા જ મૂડમાં હતા. ટીમ મીટિંગમાં તેઓ સતત બોલતા રહ્યા હતા. એ પછી કૅપ્ટન અઝહરુદ્દીન થોડું બોલ્યા હતા.
એ મીટિંગ લગભગ એક કલાક ચાલી હતી, પરંતુ તેમાં 50 મિનિટ સુધી એક જ મુદ્દે ચર્ચા થઈ હતી કે શ્રીલંકાના ઓપનર્સ રોમેશ કાલુવિતરણા અને સનત જયસૂર્યાને કેવી રીતે રોકવા જોઈએ. એ બન્નેએ થોડા દિવસ પહેલાં દિલ્હીમાં રમાયેલી લીગ મૅચમાં ભારત સામે બહુ સારી રમત રમીને ભારતના 272 રનના સ્કોરને આસાનીથી પાર કર્યો હતો.
તેમની બેટિંગ એટલી જબરદસ્ત હતી કે મનોજ પ્રભાકરે ઑફ સ્પિન બૉલિંગ કરવી પડી હતી અને ત્યાંથી તેમની કારકિર્દીના અંતની શરૂઆત થઈ ગઈ હતી.
કલકત્તા પહોંચેલી ભારતીય ટીમને જણાવવામાં આવ્યું હતું કે ઈડન ગાર્ડનની પીચ પર તાજેતરમાં જ ઑસ્ટ્રેલિયાથી મંગાવવામાં આવેલી માટી બિછાવવામાં આવી છે. પહેલી નજરે તો તે પીચ ઑસ્ટ્રેલિયન પીચ જેવી નક્કર દેખાતી હતી.
સચિન તેંડૂલકર પોતાની આત્મકથા ‘પ્લેઇંગ ઇટ માય વે’માં લખે છે, “પીચ જોતાંની સાથે જ અમે નક્કી કર્યું હતું કે અમે ટોસ જીતીશું તો પહેલાં ફિલ્ડિંગ કરીશું. તેનું એક કારણ એ પણ હતું કે શ્રીલંકાએ ત્યાં સુધી સફળતાપૂર્વક તેના લક્ષ્યાંકને સફળતાપૂર્વક સર કર્યું હતું.
'તેમના ઓપનિંગ બૅટ્સમૅન જયસૂર્યા તથા કાલુવિતરણા પહેલા બૉલથી જ ફટકાબાજી કરતા હતા અને મોટાભાગની મૅચોમાં શ્રીલંકાને સારી શરૂઆત આપવામાં સફળ રહ્યા હતા. તેઓ અમને લીગ મૅચમાં હરાવી ચૂક્યા હતા. તેથી શરૂઆતમાં જ તેમની વિકેટ પાડીને તેમના પર દબાણ લાવવાનું જરૂરી હતું.”