આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ-2023ની યજમાની માટે ભારત તૈયાર છે. 46 દિવસો સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં વિશ્વના 10 દેશો ભાગ લઈ રહ્યા છે.
આ મૅચ ક્યારે છે અને ક્યાં રમાશે? મૅચ લાઇવ કઈ રીતે જોઈ શકો છો? ટિકિટ કેવી રીતે ક્યાંથી મળશે? આવા જ સવાલોના જવાબ જાણો.
ક્યારે રમાશે વિશ્વકપ?
5 ઑક્ટોબરથી શરૂ થઈ રહેલી આ ટુર્નામેન્ટની ફાઇનલ મૅચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. યજમાન ભારત પોતાની પહેલી મૅચ 8 ઑક્ટોબરે ઑસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં રમશે.
46 દિવસો સુધી ચાલનારી ટુર્નામેન્ટ માટે 10 શહેરોના સ્ટેડિયમ નક્કી કરાયાં છે. આ સ્ટેડિયમ આ 9 રાજ્યોમાં હશે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, દિલ્હી, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.
• હૈદરાબાદ – રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ
• અમદાવાદ – નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
• ધર્મશાલા – એચપીસીએ સ્ટેડિયમ
• દિલ્હી – અરુણ જેટલી સ્ટેડિયમ
• ચેન્નાઈ – એમએ ચિંદબરમ સ્ટેડિયમ
• લખનૌ – બીઆરએસએબીવી ઇકાના ક્રેકિટ સ્ટેડિયમ
• પુના – એમસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ
• બેંગ્લૂરુ – એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ
• મુંબઈ – વાનખેડે સ્ટેડિયમ
• કોલકાતા – ઇડન ગાર્ડન્સ
બે વખતની વર્લ્ડ ચેમ્પિયન ટીમ વેસ્ટ ઇન્ડીઝને આ વખતે વર્લ્ડકપમાં રમવાની તક નથી મળી. 1975 અને 1979ની વિશ્વ વિજેતા ટીમ પહેલા તો ટોપ-8માં સ્થાન નહોતી મેળવી શકી. બાદમાં વિશ્વકપ 2023 ક્વૉલિફાયરમાં પણ તેને સ્કૉટલૅન્ડ, નૅધરલૅન્ડઝ અને ઝિમ્બાબ્વે જેવી ટીમો સામે હારનો સામનો કરવો પડ્યો
જોકે, વિશ્વકપ માટે પસંદગી પામનારી 10માંથી 8 ટીમો કપ માટે સીધી જ ક્વૉલિફાઈ થઈ ગઈ હતી. બચેલી બે જગ્યા માટે આ વર્ષે જૂન-જુલાઈમાં વર્લ્ડકપ ક્વૉલિફાયર રાઉન્ડ થયો હતો.
આ બે જગ્યાઓ માટે ક્વૉલિફાયરમાં 10 ટીમો વચ્ચે મુકાબલો થયો. તેમાં નેપાળ, શ્રીલંકા, યુએઈ, યુએસએ, નૅધરલૅન્ડ્ઝ, ઝિમ્બાબ્વે, આર્યલૅન્ડ, ઓમાન, સ્કૉટલૅન્ડ, વેસ્ટ ઇન્ડીઝ હતી.
આ 10 ટીમોને બે જૂથમાં વહેંચવામાં આવી હતી. તેમની વચ્ચે મુકાબલા થયા. અને આખરમાં શ્રીલંકા અને નૅધરલૅન્ડ્ઝ ક્લૉલિફાઈ થયા.
વેસ્ટ ઇન્ડીઝ અને ઝિમ્બાબ્વે જેવી ટીમો એક સમયમાં ઘણી મજબૂત હતી. તે આ વખતે ટુર્નામેન્ટથી બહાર છે.