એક તરફ ભારતમાં કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે તો બીજી તરફ ચોમાસાએ વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે.
એક તરફ ભારતમાં કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે તો બીજી તરફ ચોમાસાએ વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે.
જૂનથી શરૂ થયેલું ચોમાસું સપ્ટેમ્બરના અંત સાથે અધિકારીક રીતે પૂરું થઈ ગયું છે પરંતુ દેશના ઘણા ભાગોમાં આવનારા દિવસોમાં પણ હજી વરસાદ પડવાની સંભવાના છે.
બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ હાલ ભારતના ભૂ-ભાગો પર આવી છે અને આગળ વધી રહી છે જેના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદ હજી પણ ચાલુ રહેશે.
રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી સહિતનાં રાજ્યોના ઘણા વિસ્તારોમાં ચોમાસું પૂરું થયું છે અને આવનારા દિવસોમાં હજી વધારે વિસ્તારોમાંથી ચોમાસું પૂરું થાય તેવી શક્યતા છે.ગુજરાતમાં ચોમાસા દરમિયાન સૌથી વધારે વરસાદ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમોને કારણે પડે છે. બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સર્જાય તે મધ્ય ભારત કે ગુજરાત તથા રાજસ્થાન તરફ આવે તો રાજ્યમાં પુષ્કળ વરસાદ પડે છે.
હાલ બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ સર્જાઈ હતી અને તે ભારત પર આવી હતી પરંતુ આ સિસ્ટમ મધ્ય ભારત તરફ આવે તેવી શક્યતા નથી. આ સિસ્ટમ હવે પૂર્વોત્તરનાં રાજ્યો તરફ જશે, એટલે કે ગુજરાત તરફ નહીં આવે.
આ સિસ્ટમને કારણે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશાના કેટલાક વિસ્તારો તથા પૂર્વોત્તરમાં વધારે વરસાદ પડવાની સંભાવના છે.
રાજસ્થાન સહિત દેશના પશ્ચિમ તરફના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે અને પશ્ચિમ તરફથી હવે મજબૂત પવનો ભારત પર આવી રહ્યા છે. જેના કારણે આ સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવી કોઈ શક્યતા દેખાતી નથી.
બંગાળની ખાડીની સિસ્ટમની સાથે સાથે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ પણ નબળી પડીને વિખેરાઈ ગઈ છે એટલે તેની અસર પણ હવે બહુ જોવા મળે તેવી શક્યતા નથી.હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા બેથી ત્રણ દિવસોમાં ગુજરાતમાંથી પણ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જાય તેવી શક્યતા છે.
સપ્ટેમ્બરના અંત સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડી રહ્યો હતો તે પણ હવે બંધ થઈ જશે અને હવે મોટા ભાગના વિસ્તારોમાં હવામાન શુષ્ક થઈ જશે.
સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા કચ્છના વિસ્તારોમાં હવે વરસાદની શક્યતા ખૂબ ઓછી દેખાઈ રહી છે. વરસાદ બંધ થતાં ગુજરાત પર પણ ઉત્તર-પશ્ચિમ તરફથી આવતા પવનો શરૂ થઈ જશે અને કેટલાક વિસ્તારોમાં હવામાનમાં ફરી ફેરફાર જોવા મળશે.
હાલ કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં વધારો જોવા મળશે અને ઘણા વિસ્તારોમાં તાપમાન 36થી 37 ડિગ્રી સેલ્સિય સુધી પહોંચે તેવી શક્યતા છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હવે શુષ્ક હવામાન જોવા મળશે અને ભાગ્યે જ રાજ્યમાં કોઈ સ્થળે વરસાદ પડે તેવી શક્યતા છે.
હાલ ચોમાસાના પૂરા થવા અને શિયાળો બેસે તે પહેલાંનો સમય છે એટલે કે હજી રાજ્યમાં ઠંડીના દિવસો આવતા વાર લાગશે.