કેટલાક માણસોનો જન્મ અર્પણ કરવા માટે જ હોય છે. તેઓ સમાજ પાસેથી લે છે એના કરતાં અનેકગણું યજ્ઞભાવે પરત કરે છે.
મૂળશંકરભાઈ મો. ભટ્ટ ગુજરાતના આવા પ્રથમ પંક્તિના શિક્ષક અને ગુજરાતી સાહિત્યમાં સાહસકથાઓનો પ્રવેશ કરાવનારા પ્રથમ અનુવાદક હતા.
ભાલના રોજકા ગામમાં એમનો જન્મ (તા. 25-06-1907) થયો હતો. પિતા મોહનલાલનું મૂળશંકરભાઈ બાળવયમાં હતા અને અવસાન થયું. તેમનાં માતા રેવાબાએ દૂરના સગપણે દિયર અને મોહનલાલના પરમ મિત્ર તથા નૂતન કેળવણીના અધ્વર્યુ નાનાભાઈ ભટ્ટને મૂળશંકરભાઈની સોંપણી કરી.
નાનાભાઈ ભટ્ટે ભાવનગરની દક્ષિણમૂર્તિ શિક્ષણસંસ્થા દ્વારા એમનું સાચું ઘડતર કર્યું. આ પ્રસંગમાંથી નાના ભાઈની વિદ્યાર્થીને કેળવવાની રીત પણ સમજાય છે.
કિશોર મૂળશંકર મિત્રની સોબતથી ભાવનગરથી ધોળા સુધી રેલવેમાં વગર ટિકિટે, પકડાયા વિના મુસાફરી કરીને પાછા આવ્યા. રાત્રે છાત્રાલયમાં એની વાત બીજા છાત્રોને હોંશભેર કરતા હતા. એ જ વખતે નાનાભાઈ નીકળ્યા અને વાત સાંભળી.
બીજે દિવસે સવારે મૂળશંકરને ઑફિસમાં બોલાવીને રેલવેની ટિકિટના પૈસા, દંડના પૈસા અને રેલવેસ્ટેશનના માસ્તરને લખેલો માફીપત્ર આપ્યો. કહ્યું, 'પહોંચ લેતો આવજે.'
મૂળશંકરભાઈને ઘણું સમજાઈ ગયું. પાછા આવીને ભરેલ રકમની પહોંચ નાનાભાઈને આપી. ત્યારે નાનાભાઈએ જીવનમંત્ર આપતું વાક્ય કહ્યું, 'મૂળશંકર, આપણે અહીં માત્ર ભણવામાં હોશિયાર નથી થવાનું. પણ પ્રામાણિક માણસ બનવા આવ્યા છીએ.'
મૂળશંકરભાઈને હૈયે આ વાક્ય કોતરાઈ ગયું. જીવનભર એને જીવવા પ્રયત્ન કર્યો.
મેટ્રિક પછી વધુ અભ્યાસ માટે તેઓ ગૂજરાત વિદ્યાપીઠમાં ગયા. સંગીત મુખ્ય વિષય રાખવો હતો પરંતુ શંકરાવ પાઠક કહે, 'તારો કંઠ પતરાં ખખડે એવો છે. તું શું સંગીત ભણવાનો હતો?' મૂળશંકરભાઈએ આ પડકાર ઝીલી લીધો.
દરરોજ સવારે ત્રણથી સાત વાગ્યા સુધી વિદ્યાપીઠના પ્રાણજીવન છાત્રાલયની અગાસી પર રિયાજ કરીને એવી નિપુણતા મેળવી અને કંઠ કેળવ્યો કે પછી તો ગુરુને ક્યાંય પ્રોગ્રામ આપવા જવું હોય ત્યારે મૂળશંકરભાઈ વિના તેમને અધૂરું લાગતું.
અંતિમ પરીક્ષામાં પંડિત નારાયણ ખરે માર્ક્સ મૂકતા ગયા. છેલ્લે સરવાળો કર્યો તો માર્ક્સ 110 થયા. સોથી વધુ માર્ક્સ તો આપી ન શકાય. ખૂબ મહેનત કરીને માર્ક્સ કાપ્યા તો પણ 95 આગળ તો અટકી જ ગયા.
સ્નાતક થયા પછી નાનાભાઈ ભટ્ટે એમને દક્ષિણમૂર્તિ સંસ્થામાં ગૃહપતિ તરીકે રાખી લીધા. કવિ પ્રહલાદ પારેખ અને કૃષ્ણલાલ શ્રીધરાણી જેવા તોફાની વિદ્યાર્થીઓએ સલાહ આપી કે, 'મૂળશંકરભાઈ, સંગીતનું બરાબર છે. ગૃહપતિ થવાનું તમારું કામ નહીં. એ રહેવા દો.' અને મૂળશંકરભાઈએ જાતનું એવું ઘડતર કર્યું, 'બોલવું એ જીવવું'નો મંત્ર એવો સિદ્ધ કર્યો કે તેઓ ગુજરાતના પ્રથમ પંક્તિના ગૃહપતિ બન્યા.