ગુજરાતમાં હિન્દુઓના લગ્નપ્રસંગો હોય, ડાયરા હોય કે માતાજીની પૂજા- તેમાં મીર કલાકારોની સંગીત પીરસવાની પરંપરા દાયકાઓ જૂની છે. મુસ્લિમ ધર્મ પાળતા મીર સમુદાયે ગુજરાતનાં નોરતાં દીપાવ્યાં છે. તેમણે સંગીતમાં જે નામદામ મેળવ્યાં છે તેમાં પણ નોરતાં નિમિત્ત ખરાં.
ઓસમાણ મીર, ફરિદા મીર, આરીફ મીર, અલવીરા મીર, સાહેદા મીર, હાજી કાસમ મીર ઉર્ફે હાજી રમકડું વગેરેએ ગુજરાતનાં નોરતાંની રાતોને રઢિયાળી કરી છે. ઈસ્માઈલ મીર અને અમીના મીરે તો કચ્છી બોલીમાં રાસડા (રાસ) ગાઈને ગરબામાં નોખી જ ભાત પાડી છે. આવા કેટલાય મુસ્લિમ કલાકારોની સંગીત કારકિર્દી કાં તો નોરતાંથી શરૂ થઈ છે કાં તો નોરતાંએ કારકિર્દી આગળ વધારી છે.
ગુજરાતમાં શરણાઈ અને ઢોલવાદકોમાં મીર સમુદાયના કલાકારો અગ્રેસર ગણાય છે. ઉત્તર ગુજરાતના ગાયક આરીફ મીર કહે છે કે, "રાજા અને નવાબોને ત્યાં મીર કલાકારો સંગીત અને નાટકો રજૂ કરતા હતા. રાજગાયક તરીકે માતાજીની સ્તુતિ પણ ગાતા હતા. રાજારજવાડાના વખતમાં મીર સંગીતજ્ઞો શાસ્ત્રીય સંગીત વધુ રજૂ કરતા હતા. એ પછીની મીરની પેઢી આવી તે આમ જનતા માટે પણ ગાતી."
"તેઓ ભજન-સંતવાણી વગેરે ગાવા માંડ્યા. મારી જેમ અન્ય મીર કલાકારો નવરાત્રીમાં નવ દિવસ ગરબા ગાય છે અને પછી લગ્નોમાં પણ ગરબા ગાય છે. એ સિવાય ડાયરા, ભજન સંતવાણી વગેરે કાર્યક્રમો પણ કરે છે.”
ગુજરાત ઉપરાંત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ ઉપરાંત અન્ય પ્રદેશોમાં પણ મીર સમુદાય જોવા મળે છે. જૂનાગઢના ઇતિહાસકાર પ્રદ્યુમ્ન ખાચર કહે છે કે, "રાજારજવાડાના વખતમાં મીર સમુદાયના લોકો સંગીત પીરસતા તે કર્ણોપકર્ણ સાંભળવા મળે છે. મીર કલાકારો જ આના વિશે વધુ પ્રકાશ પાડી શકે. તેમની સંગીત પરંપરા વિશે દસ્તાવેજ કે પુસ્તકો હશે તો મારા ધ્યાનમાં આવ્યાં નથી."
મીર ગાયિકાઓમાં ફરિદા મીરનું નામ ગુજરાતમાં જાણીતું છે. બીબીસી સાથે વાત કરતાં ફરિદા મીર કહે છે કે, "અમે રહ્યા મીર અને અમારા લોહીમાં સંગીત હોય છે. મારા પપ્પા શરણાઈ વગાડતા હતા. કલ્યાણજી આણંદજીને ત્યાં તેઓ વગાડવા જતા હતા. મારા બંને ભાઈઓ પણ સંગીત સાથે જોડાયેલા હતા."
"નાની હતી ત્યારે મારા પિતાજી સાથે લગ્નગીત વગેરે ગાવાં જતી હતી. જોકે, મારા પિતાજી એવું નહોતા ઇચ્છતા કે હું સ્ટેજ પર ગાઉં. હું ગાયિકા તરીકે સ્થાપિત થઈ એમાં નોરતાં નિમિત્ત બન્યાં હતાં. થયું એવું કે મેં કાલાવડના રણુજા મંદિરમાં એક ગીત ગાયું હતું. એ એક જ માતાજીનું ગીત ગાયું ને મારા પપ્પાએ ત્યાં આવીને મને લાફો માર્યો હતો. અમારા પરિવારમાંથી કોઈ મહિલા સ્ટેજ પર ન હોય, તેથી તેમને એમ થયું કે હું સ્ટેજ ઉપર કેમ છું? અમે લગ્નગીતો વગેરે પરિવાર પ્રસંગે ગાતાં પણ જાહેરમાં કોઈ નોરતાં કે ડાયરામાં નહીં."
પિતાજીને પસંદ નહોતું પણ ફરિદા મીર તો સંગીતમાં જ આગળ વધવા માગતાં હતાં. ઘરમાં વિવાદ ચાલતો હતો. એ જ વખતે રાજકોટના કરણપરા ચોકમાં તેમને નોરતાના પ્રૅક્ટિસ સેશનમાં બોલાવવામાં આવ્યાં હતાં.
એ વખતે ફરિદા મીરની ઉંમર સત્તરેક વર્ષની હતી. સંચાલકોએ કહ્યું કે અવાજ તો સારો છે પણ છોકરી સ્ટેજ ઉપર દેખાય કે ન પણ દેખાય.
ફરિદા મીર કહે છે, "એ વખતે મને નોરતાની ગાયિકા તરીકે 2500 રૂપિયામાં મારું નામ બુક કરવામાં આવ્યું હતું, એ શરતે કે કોઈક અન્ય લેડી સિંગર મળી જાશે તો મને સાઈડમાં રાખશે. નોરતાના મંચ પર ગ્રૂપ પાસે લેડીસ કલાકાર પણ છે એ દર્શાવવા માટે મને મંચ પર ઊભી રાખવા માટે બુક કરી હતી."
"બન્યું એવું કે એ વર્ષે તો કોઈ લેડીસ સિંગર મળ્યાં જ નહીં, મેં જ ગાયું. નસીબ જુઓ કે એ પછીનાં આઠ વર્ષ સતત મેં જ ત્યાં ગરબામાં ગાયું હતું. ફરીદા મીર અને કરણપરા ચોક નોરતામાં એકબીજાનાં પર્યાય બની ગયાં હતાં. એ વખતે નોરતા સવારે ચાર ચાર વાગ્યા સુધી ચાલતા અને ચાર વાગ્યે મળસ્કે માતાજીના અઘોર નગારા થાય. જે રાજકોટમાં ખૂબ પ્રખ્યાત હતા. મને યાદ છે કે જે લોકો ખંભાળિયા અને દ્વારકાથી રાજકોટ ગરબા માટે આવ્યા હોય તે મને ટિકિટની પાછળ લખીને મોકલાવતા કે અઘોર નગારા ચાલુ કરાવો ને અમારે એ જોઈને જવું છે."
આમ ફરિદા મીરની કરિયરમાં નોરતાંએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. એ પછી તો તેમના ગરબાના નૉનસ્ટૉપ આલબમો આવ્યાં અને ખૂબ ચાલ્યાં. ડાયરામાં પણ તેમણે ખૂબ ગાયું અને પિતાપુત્રીના સંબંધો પણ સુમેળભર્યા થઈ ગયા હતા.