એશિયન ગેમ્સ 2023ના 11મા દિવસે આજે બુધવારે જૈવલિન થ્રો (ભાલાફેંક)માં ઑલિમ્પિક ચૅમ્પિયન નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યારે કિશોર જેના બીજા નંબરે રહ્યા અને તેમણે સિલ્વર મેડલ જીત્યો છે. આ સ્પર્ધામાં પાકિસ્તાનના અરશદ નદીમ ઈજાના લીધે સામેલ નહોતા થઈ શક્યા. ગત ઑગસ્ટમાં નીરજ ચોપરાએ ઍથ્લેટિક્સમાં વિશ્વ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય દોડવીર અવિનાશ સાબલેએ 5000 મીટરની મેન્સ રેસમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. એક ઑક્ટોબરે એશિયન ગેમ્સમાં જ સાબલેએ 3000 મીટરની સ્ટીપલચેઝ સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો હતો. આ સાથે જ ભારત એશિયન ગેમ્સમાં મેડલની લિસ્ટમાં 76 મેડલ સાથે ચોથા સ્થાને છે.
અગાઉ ભારતનાં અન્નુ રાનીને જેવલીન થ્રો (ભાલાફેંક)ની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મળ્યો છે.
સાથે જ પારુલ ચૌધરીને પણ એશિયન ગેમ્સની 5000 મીટર ઍથ્લેટિક્સ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મળ્યો છે.
જ્યારે જાપાનનાં રિરિકા હિરોનકા બીજા સ્થાન પર રહ્યાં હતાં.
તદુપરાંત, પારુલ ચૌધરી એશિયન ગેમ્સની 3000 મીટર સ્ટીપલચૅઝ સ્પર્ધામાં રજતપદક પણ જીતી ચૂક્યાં છે.
આ ઉપરાંત ભારતના લવલીના બોરગોહેન એશિયન ગેમ્સમાં 75 કિલોગ્રામ વજન કૅટેગરીમાં બૉક્સિંગ સ્પર્ધામાં ફાઇનલમાં પહોંચી ગયાં છે. આમ તેમણે રજતપદક પાક્કું કરી લીધું છે. આ પરાક્રમ નોંધાવનાર તેઓ પહેલા ભારતીય મહિલા બૉક્સર છે.
સાથે જ તેમણે પેરિસ 2024 ઑલિમ્પિક માટે પણ ક્વોલિફાઇ કરી લીધું છે.
ભારતનાં બૉક્સર પ્રીતિ પવારે 54 કિલોગ્રામ વજન કૅટેગરીમાં કાંસ્યપદક જીત્યો છે.
ક્રિકેટની વાત કરીએ તો ભારત નેપાળને ક્વાર્ટર ફાઇનલમાં હરાવીને સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. આ મૅચમાં ભારતના કપ્તાન ઋતુરાજ ગાયકવાડે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે 203 રન કર્યાં જ્યારે નેપાળ 179 રન જ કરી શક્યું અને મૅચ હારી ગયું.
આ ઉપરાંત ભારતીય મહિલા હૉકી ટીમે હૉંગકૉંગને 13-0થી હરાવી દીધું. અત્યાર સુધી ટીમે ચાર લીગ મૅચ રમી છે જેમાં ત્રણમાં તેનો વિજય થયો થયો છે જ્યારે દક્ષિણ કોરિયા સામે મુકાબલો ડ્રૉ રહ્યો હતો.
અત્યાર સુધી હાંગઝો એશિયન ગેમ્સમાં ભારતે કુલ 13 ગોલ્ડ મેડલ સાથે કુલ 61 મેડલ જીત્યા છે.
એશિયન ગેમ્સનો આઠમો દિવસ (2જી ઑક્ટોબર) ભારત માટે અતિ મહત્ત્વનો સાબિત થયો છે. 2જી ઑક્ટોબરના રોજ ભારતને એક જ દિવસમાં ત્રણ ગોલ્ડ મેડલ મળ્યા હતાં.
અવિનાશ સાબલેએ પુરુષોની 5 હજાર મીટર સ્ટીપલચેઝ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. આ એશિયન ગેમ્સમાં ટ્રેક ઍન્ડ ફીલ્ડ ઇવેન્ટમાં આ ભારતનો પહેલો ગોલ્ડ મેડલ છે.
ત્યારબાદ ગોળાફેંકની રમતમાં ભારતના તેજિન્દરપાલસિંહ તૂરે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પહેલાં તેમણે 2018ની જાકાર્તા એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
એ પહેલા ટ્રેપ શૂટિંગમાં ભારતીય ટીમમાં સામેલ પૃથ્વીરાજ ટોન્ડઈમન, ક્યાનન ચેનાઈ અને જોરાવરસિંહ સંધુએ ગોલ્ડ મેડલ જીતવાની સાથે જ આ રમતનો રેકૉર્ડ પણ તોડી નાખ્યો છે. આ ખેલાડીઓએ 361નો સ્કોર હાંસલ કર્યો હતો.
ટ્રેપ શૂટિંગની ટીમ ઇવેન્ટમાં મહિલાઓએ સિલ્વર મેડલ જીત્યો હતો.
મહિલા ટીમનાં સભ્યો રાજેશ્વરીકુમારી, મનીષા કીર અને પ્રીતિ રજકે મળીને 337 સ્કોર નોંધાવ્યો હતો.
જેમની પાસેથી ગોલ્ડ મેડલની આશા હતી એ ભારતીય બૉક્સર નિખત ઝરીન સેમિફાઇનલમાં જ હારી જતા અપસેટ સર્જાયો છે.
ભારતે અત્યાર સુધીમાં 13 ગોલ્ડ, 19 સિલ્વર અને 19 બ્રૉન્ઝ સાથે કુલ 51 મેડલ જીત્યા છે અને મેડલ ટેલીમાં ચોથા સ્થાને છે.
ચીન મેડલ જીતવામાં સૌથી ઉપર છે. તેણે અત્યાર સુધીમાં 126 ગોલ્ડ, 71 સિલ્વર અને 38 બ્રૉન્ઝ સહિત કુલ 235 મેડલ જીત્યા છે.