23 ઑગસ્ટ, 2023ના દિવસે ભારતે ચંદ્રમાની સપાટી પર ઊતરવાનું સપનું સાકાર કર્યું. ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણી ધ્રુવની સપાટી પર સૉફ્ટ લૅન્ડિંગ કર્યું અને ભારત આવું કરનારો પહેલો દેશ છે.
લૅન્ડિંગ સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સંમેલન માટે દક્ષિણ આફ્રિકામાં હતા અને જ્હોનિસબર્ગથી જ તેમણે ચંદ્ર પર સફળ લૅન્ડિંગ માટે ઇસરોના વૈજ્ઞાનિકો અને દેશવાસીઓને શુભકામના આપી સંબોધન કર્યું હતું.
જ્યારે પીએમ મોદી સંબોધિત કરી રહ્યા હતા ત્યારે એ જ સમયે (કહેવાય છે કે) ચંદ્રયાન માટેના લૉન્ચપૅડ બનાવનારા કર્મચારીઓ પોતાના 18 મહિનાના વેતન માટે આંદોલન કરી રહ્યા હતા.
આંદોલન કરી રહેલા કર્મચારીઓનું કહેવું છે કે, રાંચીના ધુર્વાસ્થિત હેવી એન્જિનિયરિંગ કૉર્પોરેશન લિમિટેડ (એચઈસી)ના 2800 કર્મચારીઓને ગત 18 મહિનાથી વેતન નથી મળ્યું.
એચઈસી એક કેન્દ્રીય સાર્વજનિક ઉપક્રમ (સીપીએસયુ - પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ) છે. એચઈસીએ ચંદ્રયાન માટે 810 ટનના લૉન્ચપૅડ સિવાય ફોલ્ડિંગ પ્લૅટફૉર્મ, ડબ્લ્યૂબીએસ, સ્લાઇડિંગ ડોર પણ બનાવ્યા છે. સાથે જ એચઈસી ઈસરો માટે એક વધુ લૉન્ચપૅડ બનાવી રહી છે.
કેન્દ્ર સરકાર મુજબ 2003 અને 2010 વચ્ચે, HECએ ISROને મોબાઇલ લૉન્ચિંગ પેડેસ્ટલ, હૅમર હેડ ટાવર ક્રેન, EOT ક્રેન, ફોલ્ડિંગ કમ વર્ટિકલ રિપોઝિશનેબલ પ્લૅટફૉર્મ, હોરિઝોન્ટલ સ્લાઈડિંગ ડોર્સ સપ્લાય કર્યા છે.
જોકે, સરકારે એ પણ સ્પષ્ટતા કરી કે HECને ચંદ્રયાન-3 માટે કોઈ સાધન બનાવવા માટે અધિકૃત નહોતી કરાઈ.
HECમાં મૅનેજર તરીકે કામ કરતા પુરેન્દુ દત્ત મિશ્રા કહે છે, “ટેકનિકલ રીતે કેન્દ્ર સરકાર યોગ્ય હોઈ શકે છે, કારણ કે ચંદ્રયાન-3 માટે કોઈ અલગ લૉન્ચપેડ બનાવાયું નથી. પણ સત્ય એ છે કે અમારા સિવાય ભારતમાં અન્ય કોઈ કંપની લૉન્ચપેડ બનાવતી નથી.