જૂનાગઢના જામવાળા રેંજના કોડીનાર નજીક આણંદપુર અને પેઢાવાળા ગામની વચ્ચે એક સિંહનું થોડા દિવસો અગાઉ વીજ કરંટ લાગવાને કારણે મોત થયું હતું. આ ઘટના પછી વનવિભાગે આણંદપુર ગામના જીતુ અને વરસિંગ પરમાર નામની બે વ્યક્તિની અટકાયત કરીને કોડીનાર કોર્ટમાં રજૂ કરી હતી.
ડિસેમ્બર 2022માં તાપી જિલ્લાના વાલોડ તાલુકાના મોરદેવી ગામમાં એક જ પરિવારના ત્રણ સભ્યો તેમના ખેતરમાં વીજયુક્ત વાડના સંપર્કમાં આવ્યા બાદ વીજકરંટથી મૃત્યુ પામ્યા હતા.
2022માં જ સુરતમાં એક 45 વર્ષીય મહિલા ખેતમજૂરને ખેતરમાં કાંટાળા વાયર પર વીંટાળેલા ઈલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવતાં ત વીજ કરંટ લાગ્યો હતો. આ ઘટનામાં પણ પોલીસે ખેતીવાડી માલિકો સામે ફરિયાદ નોંધી હતી.
આ ત્રણેય ઘટનાઓ પાછળ કથિતપણે ‘ભૂંડનો ત્રાસ’ જવાબદાર હતો. ગુજરાતના અનેક વિસ્તારોમાં ખેડૂતો ભૂંડના ત્રાસથી બચવા માટે વીજયુક્ત વાડની તરકીબ અપનાવી રહ્યા છે. જેના કારણે ક્યારેક પશુઓ તો ક્યારેક માણસો જ એનો ભોગ બની રહ્યા છે.
ગુજરાતના વિસ્તારોમાં ભૂંડનો ત્રાસ વધી ગયો છે? તેનાથી છૂટકારો મેળવવા શું બીજો કોઈ રસ્તો નથી? આ લેખમાં આપણે તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું.
રાજકોટના ખેડૂત રવિ રંગાણી બીબીસી ગુજરાતી સાથે આ મુદ્દે વાત કરતા કહે છે કે, “ભૂંડે મારા આખા તુવેરના છોડવાને મૂળમાંથી જ કાપી નાખ્યા. આમ તો અમે કાયમ ચોકીદારી કરતા હોઈએ છીએ પરંતુ જો એકાદ રાત અમારી આંખ લાગી જાય તો ભૂંડ નવા જ કરેલા વાવેતરમાં બિયારણ ખોતરીને ખાઈ જાય છે. મગફળીના પાકને પણ જડમૂળમાંથી ખોતરીને ખાઈ જાય છે અને જુવારને બીજમાંથી છૂટી પાડી નાખે છે.”
ખુમાનસિંહ ડોડિયા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધઈ ગામના ખેડૂત છે. બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ કહે છે કે, “ભૂંડ મારા કપાસના પાકને નુકસાન પહોંચાડવાની કોશિશ કરતું રહે છે. તેણે એકવાર જુવારના આખા પાકને ખોતરીને પોલો કરી નાખ્યો હતો. અમારે દિવસ-રાત સજાગ રહેવું પડે છે.”
રાજકોટના કિસાન સંઘના પ્રમુખ દિલીપ સાખિયા કહે છે કે, “ભૂંડને શહેરમાંથી ઉપાડીને ગામડાંમાં ઠાલવી દેવાયાં છે. એ પાક ઓછો ખાય છે અને નુકસાન વધારે કરે છે. એ જમીનમાંથી એકએક દાણો ખોતરીને કાઢી નાખે છે. ભૂંડ ઝૂંડમાં આવે છે અને ફૅન્સિંગ તોડીને અંદર પ્રવેશી જાય છે.”
“ખેડૂતોની હાલત તો એવી કફોડી છે કે એ આખો દિવસ ખેતરમાં કામ કરે છે અને રાત્રે ઉજાગરા કરીને ખેતરની ચોકીદારી કરે છે.”
નવસારી કૃષિ યુનિવર્સિટીના ડિપાર્ટમૅન્ટ ઑફ ફૉરેસ્ટ્રીના હેડ પી.કે. શ્રીવાસ્તવ ભૂંડના વર્તન વિશે વાત કરતાં કહે છે કે, “ભૂંડ જમીનમાં પાક નીચે દટાયેલા કીડા ખાવા માટે આખેઆખા પાકનો નાશ કરી નાખે છે. ભૂંડ 'ઝૂનોટિક' રોગોનું (પ્રાણીઓથી મનુષ્યોમાં ફેલાય તેવા રોગો) વહન કરી શકે છે. જંગલોમાં ભૂંડની વધતી સંખ્યા એ ખાદ્યસુરક્ષા માટે પણ ખતરો છે.”