એક રાજનૈતિક અને સામાજિક કાર્યકર મોહમ્મદ હસનૈન તેમના પુત્ર ઇસહાક અમીર સાથે ભારત છોડીને પાકિસ્તાન શરણ લેવા માટે પહોંચ્યા છે. તેઓ ગેરકાયદેસર રીતે અફઘાનિસ્તાનના રસ્તે થઈને કરાચી પહોંચ્યા છે.
તેમનો આરોપ છે કે ભારતમાં તેમને ‘ધાર્મિક દ્વેષ અને સતામણી’નો સામનો કરવો પડતો હતો અને તેઓ પાછા ફરવાને બદલે પાકિસ્તાનમાં જ મરવાનું કે જેલમાં રહેવાનું પસંદ કરશે.
આ બંને ભારતીય નાગરિકો પાકિસ્તાનના કરાચીમાં અંચૌલી વિસ્તારમાં ઈધી હોમમાં રહે છે. તેમના પર ઈધી હોમથી બહાર જવા પર પ્રતિબંધ છે અને બે પોલીસ અધિકારીઓ તેમના પર નજર રાખવા માટે તહેનાત કરવામાં આવ્યા છે.
66 વર્ષીય મોહમ્મદ હસનૈન અને 31 વર્ષીય ઇસહાક અમીરે બીબીસી સાથે વાત કરતા એ દાવો કર્યો હતો કે તેઓ પાંચ સપ્ટેમ્બરે દિલ્હીથી અબુધાબી ગયા હતા જ્યાંથી તેમણે અફઘાનિસ્તાનના વિઝા મેળવ્યા હતા. તેઓ કાબુલ પહોંચ્યા હતા અને ત્યાંથી કંધારના સ્પિન બોલ્ડકથી કેટલાક લોકોએ પૈસા લઈને તેમણે ગેરકાયદેસર રીતે પાકિસ્તાનના સીમાવર્તી ક્ષેત્ર ચમનમાં દાખલ થવામાં મદદ કરી હતી.
મોહમ્મદ હસનૈને કહ્યું કે, "ચમનથી અમે ક્વેટા માટે દસ હજાર રૂપિયામાં ટેક્સી પકડી અને એ જ ટેક્સીને 50 હજાર રૂપિયા આપીને અમે ક્વેટાથી કરાચી પહોંચ્યા."
તેમના જણાવ્યા અનુસાર, "હોટેલમાં રહેવાની જગ્યા ન મળી એટલે તેઓ સીધા જ પોલીસ ઓફિસરોને મળ્યા અને તેમને પૂરી કહાણી સમજાવી અને કહ્યું કે તેઓ સીમા પાર કરીને આવેલા અપરાધી છીએ અને અહીં શરણ લેવા ઇચ્છીએ છીએ."
પોલીસ તેમને પછી ઇધી સેન્ટર પહોંચાડી દીધા.
મોહમ્મદ હસનૈને જણાવ્યું કે ભારતમાં તેઓ પત્રકારત્વના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને દિલ્હીથી આઠ પાનાંનું એક અઠવાડિક અખબાર ‘ચાર્જશીટ’ બહાર પાડતા હતા. જેનું નામ બદલીને પછીથી ‘ધી મીડિયા પ્રોફાઇલ’ રાખવામાં આવ્યું હતું.
મોહમ્મદ હસનૈનનો જન્મ ઝારખંડના જમશેદપુર શહેરમાં વર્ષ 1957માં થયો હતો પરંતુ તેમનું કહેવું છે કે તેઓ છેલ્લાં કેટલાંક વર્ષોથી દિલ્હીમાં વસતા હતા.
1989માં તેમનાં લગ્ન થયાં જે માત્ર ચાર વર્ષ જ ટક્યા હતા. એ જ લગ્નથી તેમને બે પુત્રો થયા હતા જેમાંથી એક પુત્રનું મૃત્યુ થઈ ગયું હતું. બીજો પુત્ર ઇસહાક અમીર તેમનું એકમાત્ર સંતાન છે.
મોહમ્મદ હસનૈનના જૈબુન્નિસા અને કૌસર નામે બે બહેનો છે. મોટાં બહેન જેબુન્નિસા તેમનાંથી 21 વર્ષ મોટાં છે જ્યારે નાનાં બહેન કૌસર લખનૌના રહેવાસી છે.
31 વર્ષીય ઇસહાક અમીર કહે છે કે તેઓ મદરેસા જતા હતા અને તેમણે કુરાન વાંચવાનું શરૂ કર્યું અને કંઠસ્થ કર્યું હતું. પિતા તેમને આલિમ-એ-દીન (ધાર્મિક વિદ્વાન) કે વકીલ બનાવવા માગતા હતા પરંતુ 12મું પાસ કર્યા પછી તેઓ નોકરી કરવા લાગ્યા.
ઇસહાકના જણાવ્યા અનુસાર, તેમણે 2014 થી 2019 દરમિયાન ડીન બ્રૉડબેન્ડ નામની કંપનીમાં કામ કર્યું હતું. તેમણે ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી મૅનેજમેન્ટમાં ડિપ્લોમા પણ કર્યો હતો અને દુબઈની એક કંપનીમાં એપ્રિલ 2021 થી 15 ઑક્ટોબર 2021 સુધી એટલે કે લગભગ છ મહિના સુધી સેફ્ટી ઇન્સ્પેક્ટર તરીકે પણ કામ કર્યું હતું. 2021 માં ભારત પાછા આવ્યા પછી તેમણે નાઇગોસ ઇન્ટરનેશનલ જનરલ સર્ટિફિકેટ કોર્સ પણ કર્યો.
ઈસહાકે જણાવ્યું કે અબુધાબીની એક કંપનીએ તેમને નોકરીની ઑફર કરી હતી જેનો પગાર ચાર હજાર દિરહામ હતો અને નોકરી 10 સપ્ટેમ્બર, 2023થી શરૂ થવાની હતી. પરંતુ અમે ભારત છોડવા માટે સંપૂર્ણ યોજના બનાવી ચૂક્યા હતા.
પિતાએ કહ્યું હતું કે "આપણે આ દેશમાં નથી રહેવું એટલે અમે 5 સપ્ટેમ્બરની ટિકિટ બુક કરાવી લીધી હતી. તેમણે કહ્યું હતું કે એકવાર પ્રયાસ કરીએ. અબુધાબીથી અફઘાનિસ્તાન જઈએ અને પ્રયત્ન કરી જોઈએ. કદાચ કંઈક શક્ય બને."