આ એક આઈસીસી મૅચ કરતાં બીસીસીઆઈની ઇવેન્ટ હોય તેવું લાગતું હતું. મને ક્યાંય ‘દિલ-દિલ પાકિસ્તાન’ સંભળાયું ન હતું અને ક્યાંય પાકિસ્તાનના પ્રેક્ષકો દેખાતા ન હતા."
પાકિસ્તાનના ટીમ ડાયરૅક્ટર મિકી આર્થરના આ શબ્દો છે. તેમણે સ્ટૅડિયમમાં પાકિસ્તાની પ્રેક્ષકોની ઉપસ્થિતિ મામલે આ નિવેદન કર્યું હતું. જોકે તેમના નિવેદનને કેટલાક પૂર્વ પાકિસ્તાની ખેલાડીઓએ એમ કહીને ફગાવ્યું હતું કે તેઓ ટીમની હાર પરથી ધ્યાન હટાવવા માટે આ નિવેદન આપી રહ્યા છે.
અગાઉ પાકિસ્તાનના દર્શકો અને પત્રકારોને પણ ભારતના વિઝા ન મળતા પાકિસ્તાને આઈસીસીને અરજી કરી હતી.
14મી ઑક્ટોબરના રોજ અમદાવાદમાં રમાયેલ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચમાં ભારતે આસાનીથી વિજય મેળવ્યો હતો.
મૅચ બાદ અમદાવાદ સહિત સમગ્ર દેશમાં આ જીતની જબરદસ્ત ઉજવણી કરવામાં આવી હતી.
એક તરફ સવા લાખથી વધુ દર્શકોએ સ્ટૅડિયમમાં આ મૅચ જોઈને રેકૉર્ડ બનાવ્યો હતો તો બીજી તરફ દર્શકોએ સ્ટૅડિયમમાં કરેલા વર્તનની ટીકા પણ થઈ રહી છે.
અલગ-અલગ પ્રકારની નારેબાજી કરતા પ્રેક્ષકોના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે.
કનિષ્ક રોશન નામના એક શ્રીલંકન ક્રિકેટ ચાહકે ટ્વિટર પર એક લાંબો સંદેશ મૂક્યો છે. જેમાં તેમણે સ્ટૅડિયમમાં બનેલી ઘટનાઓને વર્ણવી છે.
તેઓ અમદાવાદના પ્રેક્ષકોને સંબોધીને લખે છે, "તમે અતિશય ખરાબ દર્શકો છો. તમારે ટેલિવિઝન પર જ મૅચ જોવી જોઈએ, સ્ટૅડિયમમાં નહીં. પાકિસ્તાનના પ્લૅયરો માટે તમે લગાવેલા નારાઓ ભયાનક છે. કોઈ દેશ આ પ્રકારની વર્તણૂંક કરે નહીં."
તેઓ વધુમાં કહે છે કે, "આપણે આ ટુર્નામેન્ટનું નામ બદલીને બીસીસીઆઈ ક્રિકેટ વર્લ્ડકપ કરી દેવું જોઈએ. કારણે કે આ રમતનાં દરેક પાસાઓનું જાણે કે ભારત જ સંચાલન કરે છે."મૅચ પહેલાં ટૉસ દરમિયાન પણ બાબર આઝમના કથિત બૂઇંગની ઘટના બની હતી.
આ ઘટનાની ટીકા કરતા મુઘીસ અલી નામના એક ટ્વિટર યૂઝરે કહ્યું હતું કે, "અમદાવાદના દર્શકો ખરેખર વિશ્વને બતાવી રહ્યા છે કે ભારતની સ્પૉર્ટ્સમેનશિપ કેવી છે. બાબર આઝમનું ‘બૂઇંગ’ કરવું એ ખરેખર ક્રિકેટવિશ્વ માટે આઘાતજનક ઘટના છે."
એક અન્ય વાઇરલ વીડિયોમાં ડ્રેસિંગ રૂમ તરફ જતાં પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ રિઝવાન સામે કથિતપણે ‘જય શ્રી રામ’ ના નારા લગાવાઈ રહ્યા છે. બીબીસી ગુજરાતી આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.
રિઝવાનના આઉટ થયા બાદ જે કથિત નારેબાજી થઈ તેને લઈને સોશિયલ મીડિયા પર અલગઅલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકોએ આ વર્તનની ટીકા કરી તો કેટલાક લોકોએ 2017માં પાકિસ્તાનમાં ભારતીય ખેલાડીઓનું ટ્રોલિંગ કરાયાની ઘટના યાદ અપાવી હતી.
કેટલાક લોકોએ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવેલા પ્રક્ષકોના કથિત વર્તનની ટીકા કરી હતી.
બાંગ્લાદેશ પ્રીમિયર લીગની બે ટીમોના સોશિયલ મીડિયા મૅનેજર સૈફ અહમદે આ વીડિયો પોસ્ટ કર્યો છે અને લખ્યું છે, "હું પહેલીવાર જોઈ રહ્યો છું કે એક ક્રિકેટ ખેલાડીનું ધાર્મિક સ્લોગનો બોલીને અપમાન થઈ રહ્યું છે. મોહમ્મદ રિઝવાનની મજાક ઊડાવવા માટે દર્શકો આવું કરી રહ્યા છે. અમદાવાદના દર્શકોનું આ ખરેખર શરમજનક વર્તન છે."