દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે યોજાયેલી વન-ડે વર્લ્ડકપ 2023ની અફઘાનિસ્તાન સામેની મૅચમાં ભારતીય ટીમે આઠ વિકેટે સરળતાથી વિજય હાંસલ કરી જીતનો ક્રમ જાળવી રાખવામાં સફળ થઈ હતી.
અફઘાનિસ્તાને ટૉસ જીતી પ્રથમ બેટિંગ કરીને ભારત સામે 273 રનનો પડકાર મૂક્યો હતો, જે ભારતીય કપ્તાન રોહિત શર્મા અને વિરાટ કોહલીની તાબડતોબ બેટિંગના દમે માત્ર 35 ઓવરમાં જ હાંસલ કરવામાં ટીમ સફળ રહી હતી.
ભારતની ધુંઆધાર ઇનિંગમાં આંખે ઊડીને વળગે એવી એક વિશેષતા કપ્તાન રોહિત શર્માએ માત્ર 84 બૉલમાં ફટકારેલા 134 રનની હતી.
આ સાથે જ તેઓ વર્લ્ડકપના ઇતિહાસમાં ત્રણ-ત્રણ રેકૉર્ડ કરનાર એકમાત્ર ખેલાડી બની ગયા હતા.
વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર અનુક્રમે 55 અને 25 રન બનાવીને અંત સુધી અણનમ રહ્યા હતા.
પોતાની શતકીય ઇનિંગ દરમિયાન રોહિત શર્માએ વર્લ્ડકપમાં સૌથી વધુ સદીનો રેકૉર્ડ બનાવ્યો. વર્લ્ડકપમાં આ તેમની સાતમી સદી છે. આ સાથે તેમણે વન-ડેમાં સચીન તેંડુલકરના છ સદીના રેકૉર્ડને પાછળ છોડી દીધો હતો.
મૅચ બાદના વિશ્લેષણમાં ઈશાન કિશને મેદાન પર રોહિત શર્માએ તેમને આપેલી સલાહ અને કહેલી વાત અંગે જણાવ્યું હતું.
જેમાં તેમણે મેદાન પર રોહિત શર્મા ‘બેટિંગ આક્રમણ’ દરમિયાન તેમના મનોવલણ અંગે વાત કરી હતી.
રોહિતે આ ઇનિંગમાં ભારત તરફથી વર્લ્ડકપમાં સૌથી ઝડપી સદીનોય રેકર્ડ બનાવ્યો. વન-ડેમાં આ રોહિત શર્માની 31મી સદી છે.
આ મૅચ દરમિયાન રોહિત શર્માએ વધુ બે રેકર્ડ બનાવ્યા છે.
રોહિતે વનડે વર્લ્ડકપની સૌથી ઓછી ઇનિંગોમાં હજાર રન બનવવાના રેકૉર્ડની પણ બરોબરી કરી છે.
તેમણે વર્લ્ડકપની પોતાની 19મી ઇનિંગમાં આ મુકામ હાંસલ કર્યો હતો.
ભારત સામે વર્લ્ડકપ 2023ની પ્રથમ મૅચમાં ઑસ્ટ્રેલિયાના ડેવિડ વૉર્નરે આટલી જ ઇનિંગોમાં એક હજાર રન બનાવીને આ રેકૉર્ડ પોતાના નામે કરી લીધો હતો.
સાથે જ રોહિત શર્મા વનડે ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બૅટ્સમૅન પણ બન્યા. તેમણે ક્રિસ ગેલના 553 છગ્ગાનો રેકૉર્ડ તોડ્યો.
રોહિત શર્માએ પ્રથમ વિકેટ માટે ઇશાન કિશન સાથે 156 રનની ભાગીદારી કરી. ઇશાન કિશને 47 રનની ઇનિંગ રમી.
ભારતની બીજી વિકેટ 26મી ઓવરમાં 205 રનના સ્કોરે કપ્તાન રોહિત શર્મા સ્વરૂપે પડી હતી.
અફઘાનિસ્તાન તરફથી બંને વિકેટ રાશિદ ખાને લીધી હતી.
ઈશાન કિશને રોહિત શર્માની ઇનિંગનાં વખાણ કરતા પોસ્ટ મૅચ ઍનાલિસિસમાં કહ્યું હતું કે, “આ કદાચ તેમની (રોહિતની) વર્લ્ડકપની સૌથી શ્રેષ્ઠ ઇનિંગો પૈકી એક હતી. મેં તેમની સાથેની પાર્ટનરશિપ અને તેમને રમતા જોવાનો ભરપૂર આનંદ માણ્યો.”
રોહિત શર્માના આક્રમક બેટિંગ અંદાજ અંગે વાત કરતાં તેમણે કહેલું કે, “તેઓ જે રીતે હાર્ડ-હિટિંગ કરી રહ્યા હતા, તેને જોઈને મારી પાસે બૅક સીટ લીધા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.”
રોહિત શર્માએ ટીમના કપ્તાન તરીકે વર્લ્ડકપ પહેલાં ટીમને આપેલી સલાહ અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, “તેઓ બધા પ્લેયરોને પોતાની નૅચરલ ગેમ રમવા પ્રોત્સાહિત કરે છે. પોતે પણ એવું જ રમે છે. તેથી અમારો આત્મવિશ્વાસ વધી જાય છે કે અમારો કૅપ્ટન અમારી નૅચરલ ગેમને સપૉર્ટ કરે છે. અને અમારે એવી જ રીતે રમવાનું છે. જેને જેવી રીતે રમવાનું ફાવે એવી રીતે રમવા માટે તેમણે પ્રોત્સાહન આપ્યું છે.”
અફઘાનિસ્તાન સામેની આ મૅચમાં રોહિત સાથે પાર્ટનરશિપ વખતે થયેલી વાતચીતમાં રોહિતના મનોવલણ અને તેમણે ઈશાનને આપેલી સલાહ અંગે વાત કરતાં તેઓ કહે છે કે, “તેઓ ખૂબ જ હાર્ડ-હિટિંગ કરી રહ્યા હતા, ત્યારે તેમણે મને કહેલું કે હું તો આવી જ રીતે રમવાનો છું. મારી ગેમ જોઈને તું તારી ગેમ ન બદલતો. હું તો આ જ રીતે રમીશ.”