બુધવાર 13 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા ગુજરાત વિધાનસભાના સત્રમાં ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નેશનલ ઈ-વિધાન ઍપ્લિકેશન - નીવા (NeVA)ની શરૂઆત કરાવી.
ભારતની બીજી નવ વિધાનસભાની જેમ ગુજરાત વિધાનસભા પણ હવે પેપરલેસ બનનારી 10મી વિધાનસભા બનશે. ડિજિટલ ઇન્ડિયાના પ્રોજેક્ટ હેઠળ દેશમાં તમામ વિધાનસભાઓને તબક્કાવાર પેપરલેસ બનાવવાની યોજના છે, જેમાં 673.94 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.આ ટેકનૉલૉજીનો ઉપયોગ કરનાર ગુજરાત 10મું રાજ્ય છે. અગાઉ તેનો ઉપયોગ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, નાગાલૅન્ડ, મિઝોરમ, મેઘાલય, હરિયાણા, ઓડિશા અને બિહાર રાજ્યમાં શરૂ થયો છે.
જ્યારે પંજાબ, મણિપુર, ત્રિપુરા, પુડ્ડુચરી વગેરે જેવાં રાજ્યોમાં પણ આ ટેકનૉલૉજીનો ટૂંક સમયમાં ઉપયોગ શરૂ થશે.
મંગળવારના રોજ ગુજરાતના તમામ ધારાસભ્યોને એક ટૅબ્લેટ મારફતે વિધાનસભામાં ‘નીવા’નો કેવી રીતે ઉપયોગ કરવો તેનું રિહર્સલ કરાવવામાં આવ્યું હતું.
સરળ ભાષામાં કહીએ તો વિધાનસભામાં ચાલતી તમામ કાર્યવાહીને વિના કાગળ હાથ ધરવામાં આવે અને સંપૂર્ણ કાર્ય માત્ર ડિજિટલ ટેકનૉલૉજી મારફતે થાય તે માટે જે ઍપનો ઉપયોગ થશે એ નીવા ઍપ છે.
સંસદીયકાર્ય મંત્રાલયના અધિક સચિવ ડૉ. સત્ય પ્રકાશ દ્વારા મે 2023માં એક પત્ર દેશનાં તમામ રાજ્યોના નોડલ સેક્રેટરીને મોકલવામાં આવ્યો હતો.તે અનુસાર દેશની 21 વિધાનસભાઓએ પોતાની તમામ કામગીરી ડિજિટલ કરવા માટે એક એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા છે અને તે માટે મે 2023થી એ તમામ વિધાનસભાના સભ્યોને આ ઍપ વિશેની જાણકારી આપતી વિવિધ ટ્રેનિંગ આપવામાં આવી છે.
સંસદીય બાબતોના મંત્રાલય પ્રમાણે ડિજિટલ ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ 44 વિવિધ મિશન મોડ પ્રોજેક્ટ છે જેમાં ઈ-સંસદ અને ઈ-વિધાન પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. દેશની કુલ 31 વિધાનસભાઓ, રાજ્યસભા, લોકસભા અને છ કાઉન્સિલ સહિત વિવિધ 39 ગૃહોને આ પ્રોજેક્ટ હેઠળ સમયાંતરે આવરી લેવાશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022માં પોતાના એક ભાષણમાં નીવાને તમામ રાજ્યોએ સ્વીકારવા માટે આહ્વાન કરતા કહ્યું હતું કે આજના સમયમાં નાગરિકોને સરકારની કામગીરી વિશેની રિયલ ટાઇમ માહિતી મળવી જોઈએ અને તે માટે આ નીવા ઍપ કારગર સાબિત થશે. મંત્રાલય પ્રમાણે આ ઍપની તમામ માહિતી સરકારી NIC Meghraj Cloud, તેમજ ભુવનેશ્વર અને હૈદરાબાદના ડેટા સેન્ટર પર સુરક્ષિત રહેશે.
આ ઍપ ટૅબ્લેટ, મોબાઇલ, તેમજ ડૅસ્કટૉપ કે કમ્પ્યુટર પર ચાલી શકશે. તેમાં મેમ્બર, ઍડમિન, મિનિસ્ટર વગેરે સહિત વિધાનસભાની કામગીરી સાથે સંકળાયેલા તમામ મહત્ત્વપૂર્ણ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપરાંત જે તે વિધાનસભાના સ્પીકર તેમજ સામાન્ય જનતા અને મીડિયાના પ્રતિનિધિઓ જોડાયેલા રહેશે.
તેમાં વિધાનસભાની દરેક દિવસની કામગીરી, વિવિધ બિલ, કમિટિના રિપોર્ટ, ડિજિટલ લાઇબ્રેરી, નોટિસ, મેમ્બર ડિરેક્ટરી, ઉપરાંત વિધાનસભામાં પૂછાયેલા સવાલોના જવાબ વગેરે સહેલાઈથી જોઈ શકાશે.
હાલ નીવા ઍપ 13 ભાષાઓમાં બહાર પાડવામાં આવી છે. જોકે દરેક રાજ્યામાં તે જે તે રાજ્યની ભાષા ઉપરાંત અંગ્રેજી ભાષામાં જોવા મળશે.