ચંદ્રની કડકડતી ઠંડીવાળી રાત બાદ ભારતના ‘મૂન લૅન્ડર’ના ફરી જાગૃત થવાની સંભાવના “પસાર થતા દરેક કલાકની સાથે મંદ પડતી” જઈ રહી છે.
બીબીસી સાથેની વાતચીતમાં દેશના વૈજ્ઞાનિકોએ આ માહિતી આપી છે.
પરંતુ તેમણે એવું પણ કહ્યું કે તેઓ ચંદ્રના દિવસના અંત ભાગ સુધી આ દિશામાં પ્રયત્ન ચાલુ રાખશે.
નોંધનીય છે કે ચંદ્ર પરનાં દિવસ-રાત બંને પૃથ્વીના 14-14 દિવસ કરતાં થોડા વધુ સમયનાં હોય છે.
શુક્રવારે ભારતની સ્પેસ એજન્સી ઇસરોએ જણાવ્યું હતું કે તેઓ ચંદ્રનો દિવસ શરૂ થતાં જ લૅન્ડર અને રોવર સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમને કોઈ સિગ્નલ નહોતું મળ્યું.
ભારતનું ચંદ્રયાન-3એ ગત ઑગસ્ટ માસમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ ઉતરાણ કર્યું હતું. વિક્રમ લૅન્ડર અને પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી પર બે અઠવાડિયાં સુધી ડેટા એકત્રિત કરવાનું અને તસવીરો લેવાનું કામ કર્યું હતું.
જે બાદ ચંદ્ર પર રાત થતાં જ બંને ઉપકરણોને ‘સ્લીપ મોડ’ પર મૂકી દેવાયાં હતાં.
શુક્રવારે ઇસરોએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું હતું કે, “વિક્રમ લૅન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે સંપર્ક સાધવાના પ્રયાસો ચાલુ રહેશે.” તે બાદથી આ અંગે કોઈ આધિકારિક અપડેટ મળી નથી.
સોમવારે સવારે ઇસરોના ભૂતપૂર્વ વડા એએસ કિરણકુમારે કહ્યું હતું કે “દરેક પસાર થતા કલાકની સાથે ઉપકરણોને પુન:જાગૃત કરવાની સંભાવના ધૂંધળી થતી જઈ રહી છે.”
તેમણે કહ્યું, “લૅન્ડર અને રોવરમાં ઘણા એવા પાર્ટ્સ છે જે કદાચ ચંદ્રની રાત્રે અનુભવાતી કડકડતી ઠંડીમાં બચી નહીં શક્યા હોય.” તેમણે વાતને આગળ વધારતાં કહ્યું હતુ કે ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી પરનું તાપમાન માઇનસ 200થી 250 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું જઈ શકે છે.
ચંદ્રયાન-3ના રોવર અને લૅન્ડરે અંદાજે દસ દિવસ ચંદ્રની સપાટી પર વિતાવ્યા હતા અને ડેટા એકત્રિત કરીને વિશ્લેષણ માટે પૃથ્વી પર મોકલ્યા હતા.
આ મહિને જ થોડા દિવસો અગાઉ વૈજ્ઞાનિકોએ આ કામ અટકાવી દેવું પડ્યું હતું, કારણ કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સૂર્યાસ્ત થઈ ગયો હતો. સૂર્યઊર્જાના અભાવને કારણે ચંદ્રયાનની બૅટરી ચાર્જ ન થતી હોઈ તેનું કામ અટકાવી દેવું પડ્યું હતું.
જોકે, ઇસરોએ આશા વ્યક્ત કરી હતી કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર 22 સપ્ટેમ્બરના રોજ સૂર્યોદય બાદથી કદાચ ચંદ્રયાન ફરીથી કામ આપવા લાગશે.
ઇસરોએ નિયમિતરૂપે ચંદ્ર પરથી મળતી માહિતી અને તસવીરો વિશ્વ સમક્ષ મૂક્યાં છે.
મોટા ભાગના ભારતીયો એ જાણવા માટે આતુર છે કે આ શોધ-સંશોધનોનું કેટલું મહત્ત્વ છે.
સપ્ટેમ્બરના રોજ ચંદ્ર પર સૂર્યાસ્ત થયાના થોડા કલાકો પહેલાં જ ઇસરોએ જણાવ્યું હતું કે પ્રજ્ઞાન રોવરે 100 મીટર (328 ફૂટ)થી વધુ અંતર કાપ્યું છે.
છ પૈડાંવાળા રોવર માટે આ અંતર ખૂબ ઝાઝું હતું, કારણ કે એ માત્ર એક સેમી પ્રતિ સેકન્ડની ઝડપે આગળ વધે છે.
મિત્રા જણાવે છે કે મહત્ત્વપૂર્ણ વાત એ છે કે તે સુરક્ષિત રહી શક્યું છે અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પ્રદેશમાં આવેલા નાના-મોટા ખાડામાં ન પડ્યું.
તેઓ કહે છે કે રોવર પાસે એક ખાસ વ્હીલ મિકેનિઝમ છે જેને ‘રોકર બોગી’ કહેવાય છે. જેનો અર્થ છે કે તેનાં તમામ પૈડાં એકસાથે ફરતાં નથી. તેથી જો તે કોઈ ઊંડી જગ્યામાં પડી જાય તો તે પાછું બહાર ચઢીને આવી શકશે નહીં. કમાન્ડ સેન્ટરના વૈજ્ઞાનિકોએ સતત તેના પર નજર રાખી છે જેના કારણે આ પડકાર પાર પડ્યો હતો.
"રોવર સ્વયંસંચાલિત નથી અને તેની હિલચાલને કમાન્ડ સેન્ટરથી જ નિયંત્રિત કરવામાં આવે છે. કમાન્ડ સેન્ટર રોવરે મોકલેલા ફોટોને આધારે તેનું સંચાલન કરે છે.
"આ સંદેશાવ્યવહાર પણ એટલો સરળ નથી. કમાન્ડ સેન્ટર સુધી પહોંચતા આ ફોટો અને ડેટા થોડા સમય પછી જ પહોંચે છે. પ્રજ્ઞાન તેમને લૅન્ડર પર મોકલે છે અને પછી લૅન્ડર તેમને પૃથ્વી પર મોકલવા માટે ઑર્બિટર પર મોકલે છે."
એટલે જ્યાં સુધીમાં કમાન્ડ રોવરને મળે ત્યાં સુધીમાં તે ખતરાથી જાણે કે બસ થોડી ક્ષણો જ દૂર હોય છે.
એટલે કે જ્યાં સુધી કમાન્ડ રોવરને મળે ત્યાં સુધી જાણે એ ખતરાથી માત્ર થોડા ક્ષણોના અંતરે જ હોય છે.
મિત્રા ઉમેરે છે કે, “હકીકત એ છે કે આ બધી વિષમતાઓ વચ્ચે પણ રોવરને બે મોટા ખાડામાં પડતા બચાવી શકાયું છે, કારણ કે તે કમાન્ડ સેન્ટર સાથે ખૂબ ઝડપી સંદેશાવ્યવહાર કરે છે.”