જ્યારે નજમુશ શહાદત બાંગ્લાદેશથી લંડન અભ્યાસાર્થે આવ્યા ત્યારે તેમને ખ્યાલ ન હતો કે તેમને ક્યાં રહેવાનું છે.
તેમને કાયદાના એક અભ્યાસક્રમમાં એડમિશન મળ્યું હતું. પરંતુ યુનિવર્સિટીમાં રહેવું એ ખૂબ મોંઘું હતું. તેમને બહાર પણ રહેવા માટે કોઈ ઠેકાણું મળ્યું નહીં.
થોડા દિવસોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ અને તેમને એક ડબલ બેડરૂમ ફ્લેટમાં 20 લોકો સાથે રહેવાનો વારો આવ્યો.
“મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારે આવી જગ્યાએ રહેવાનું આવશે. મને હજુ પણ એ દિવસો યાદ આવે છે.”
દરેક રૂમ જાણે કે પથારીઓથી ભરેલો હતો. દરેક લોકો અલગ-અલગ શિફ્ટમાં કામ કરતા હતા. અવરજવર કાયમ ચાલુ જ રહેતી હતી, જેના કારણે ક્યારેય સારી ઊંઘ પણ થતી ન હતી.
“શરૂઆતમાં હું ઘરે વીડિયો કૉલ પણ કરતો ન હતો. હું ઇચ્છતો ન હતો કે મારા ઘરે કોઈને ખબર પડે કે હું આવી જગ્યાએ રહું છું.”
શહાદત અત્યારે કેટલાક બીજા લોકો સાથે ભાડાના મકાનમાં રહે છે પરંતુ તેમાં તેમની પાસે અલગથી તેમનો રૂમ છે.
તેમનું કહેવું છે કે વિદેશથી આવેલા વિદ્યાર્થીઓ માટે લંડનમાં ભાડા પર ઘર લેવું એ ખૂબ અઘરું છે. વિદ્યાર્થીઓનું ઓળખીતું કોઈ અહીં રહેતું નથી.
ઘણા લોકો ઘરેથી મળેલા પૈસાને ફી માટે ખર્ચી નાખે છે. તેમણે કહ્યું કે ત્રણ વર્ષના મારા કોર્સની ફી અંદાજે 39 હજાર પાઉન્ડ એટલે કે 39 લાખથી વધુ છે.
શહાદતે કહ્યું, “મેં મારાં માતાપિતાનાં અને મારાં સ્વપ્નો પૂરાં કરવાં માટે મારા પરિવારની બચત ખર્ચી નાખી.”
બ્રિટનમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરવા વિદેશથી આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થાય એ માટે ત્યાંની સરકાર ઘણાં વર્ષોથી કામ કરી રહી છે.
હાયર એજ્યુકેશન સ્ટેટિસ્ટિક્સ એજન્સી (HESA) અનુસાર, 2015-16માં લંડનમાં 1,13,015 વિદેશી વિદ્યાર્થીઓ હતા અને 2020-21 સુધીમાં આ સંખ્યા 59 ટકા વધીને 1,79,425 થઈ ગઈ છે.
લંડનની કેટલીક સંસ્થાઓમાં હાલમાં સ્થાનિક વિદ્યાર્થીઓ કરતાં વધુ વિદેશી વિદ્યાર્થીઓ છે.
ભારતના રાશવ કૌશિક પણ ત્યાં કાયદાનો અભ્યાસ કરે છે. તેમણે કેટલાક મિત્રો સાથે મકાન ભાડે રાખ્યું છે. તેઓ પોતાનો બેડરૂમ કોઈ બીજા સાથે શેર કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે ઘર માટે 16 હજાર પાઉન્ડ (લગભગ 16 લાખ રૂપિયા) એડવાન્સ ચૂકવવા ઉપરાંત કોઈ અન્ય વ્યક્તિને ગૅરન્ટર તરીકે ઊભા રહેવું પડ્યું, જે તેમના માટે એક મોટો બોજ બની ગયો.
નેશનલ યુનિયન ઑફ સ્ટુડન્ટ્સ (NUS)ના નેહલ બાજવાએ જણાવ્યું હતું કે, "યુનિવર્સિટીઓ ઊંચી ફીને આવરી લેવા માટે વધુ વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો પ્રયાસ કરી રહી છે. કેટલીક યુનિવર્સિટીઓ તેમની ક્ષમતા કરતાં પણ વધુ લોકોને પ્રવેશ આપી રહી છે."
એનયુએસ ઘરના ભાડાને નિયંત્રિત કરવા માગે છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે આ ભાડાના કારણે ખાસ કરીને વિદેશી વિદ્યાર્થીઓને આર્થિક નુકસાન થઈ રહ્યું છે.
બાજવાએ કહ્યું, "તેઓ તમારું શોષણ કરી રહ્યા છે, કારણ કે તમે તમારા અધિકારો વિશે જાણતા નથી."
કોઈ પણ કરાર વિના મકાન ભાડે આપવા ઉપરાંત, વિદેશી વિદ્યાર્થીઓએ મોટી ઍડવાન્સ ચુકવણી કરવી પડે છે અને જો તેમને ગમતી ન હોય તેવી પણ શરતો સ્વીકારવી પડે છે, એમ તેમણે જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે "જો કોઈ ઘર ન હોય તો મારે ક્યાં રહેવું? વધુ પડતું વિચારવાને કારણે ઉતાવળ થવાની પણ સંભાવના છે, કારણ કે રહેવા માટે ઘર ન હોવું એ ખરેખર મુશ્કેલ છે."
ઈટાલીનાં 19 વર્ષીય ગિયુલિયા તારટારિસી ફિલ્મનો કોર્સ કરી રહ્યાં છે. હાલમાં તે તેમના મિત્રો મેસી અને લિડિયા સાથે રહે છે. જોકે, ગયા વર્ષે તેમણે લંડનમાં રહેઠાણ શોધવા માટે આકરો સંઘર્ષ કર્યો.
તેમણે કહ્યું, "આ ખૂબ સંવેદનશીલ મામલો છે. હું રહેઠાણનો કોઈ વિકલ્પ શોધ્યા વિના સીધી જ અહીં આવી ગઈ. ઘર શોધતા પહેલાં એક મહિના સુધી મારા મિત્રના રૂમમાં રહી. પછી હું થોડી તણાવમાં આવી ગઈ."