ન્યૂઝ વેબસાઈટ 'ન્યૂઝક્લિક' સાથે જોડાયેલા અનેક પત્રકારોનાં ઘરે મંગળવારે સવારે દિલ્હી પોલીસે દરોડા પાડ્યા છે.
પોલીસે દરોડા દરમ્યાન મોબાઇલ, લૅપટૉપ, કમ્પ્યુટર સહિતનો ઇલેક્ટ્રૉનિક સામાન જપ્ત કર્યો છે.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ એક અધિકારીએ જણાવ્યું કે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે એક નવો મામલો નોંધી તપાસ શરૂ કરી છે.
સમાચાર એજન્સી એએનઆઈ મુજબ ન્યૂઝક્લિક સંબંધિત 30થી વધારે સ્થળો પર દરોડા પાડ્યા છે.
પોલીસે આતંકવાદ વિરોધી કાયદા યુએપીએ હેઠળ કેસ નોંધ્યો છે.
2009માં શરૂ થયેલું આ ન્યૂઝ પોર્ટલ સરકારની ટીકા કરવા માટે પણ જાણીતું છે. થોડા સમય પહેલાં આ ન્યૂઝ પોર્ટલ પર ચીનથી ફંડિંગ લેવાનો આરોપ લાગ્યો હતો અને EDએ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.
જે લોકો સામે આ કથિત કાર્યવાહી કરાઈ છે તેમાં વેબસાઇટના સંપાદક પ્રબીર પુરકાયસ્થ, પત્રકાર અભિસાર શર્મા, ઓનિંદ્યો ચક્રવર્તી, ભાષાસિંહ, કાર્ટૂનિસ્ટ સંજય રાજૌરા અને ઇતિહાસકાર સોહેલ હાશમી છે.
આમાંથી કેટલાક લોકોને પૂછપરછ માટે પોલીસ સ્ટેશને લઈ જવાયા છે.
પ્રેસ ક્લબ ઑફ ઇન્ડિયાએ કહ્યું છે, “પત્રકારો અને ન્યૂઝક્લિક સાથે સંકળાયેલા લોકોનાં ઘરો પર દરોડા અત્યંત ચિંતાજનક બાબત છે. અમે આ મામલે નજર રાખી રહ્યા છીએ. અમે પત્રકારો સાથે ઊભા છીએ અને સરકાર પાસે માગ કરીએ છીએ કે તેઓ આ મામલે વધુ માહિતી આપે.”
પત્રકાર અભિસાર શર્માએ એક ટ્વીટમાં કહ્યું, “દિલ્હી પોલીસ મારા ઘરે પહોંચી છે. પોલીસે મારું લૅપટૉપ અને ફોન લઈ લીધાં છે.”
પત્રકાર ભાષાસિંહે સોશિયલ મીડિયા પર લખ્યું, “આ ફોનથી આ મારું છેલ્લું ટ્વીટ છે. દિલ્હી પોલીસે મારો ફોન જપ્ત કરી લીધો છે.”
કાર્ટૂનિસ્ટ રાજૌરના વકીલ ઇલિન સારસ્વતે બીબીસીને જણાવ્યું કે પોલીસ મંગળવારે સવારે સાડા છ વાગે તેમના ઘરે પહોંચી હતી.
સરકારના મુખ્ય ટીકાકાર રાજૌરા અગાઉ ન્યૂઝક્લિક માટે વીડિયો બનાવતા હતા. વકીલ મુજબ પોલીસે તેમનું લૅપટૉપ, બે ફોન અને તેમના જૂના કામકાજની કેટલીક ડીવીડી અને કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા છે.
વકીલે કહ્યું, “પોલીસે કહ્યું કે હાલની તપાસમાં રાજૌરાનું નામ નથી પણ તેમણે અગાઉ વેબસાઇટ સાથે કામ કરેલું છે આથી તેમની પૂછપરછ કરાશે. અમને એફઆરઆઈની કૉપી કે નોટિસ કંઈ નથી અપાયું.”
ઓડિશામાં એક પત્રકારપરિષદ દરમ્યાન કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું, “મારે સ્પષ્ટતા કરવાની જરૂર નથી. જો કોઈએ ખોટું કર્યું છે તો તેની સામે તપાસ એજન્સીઓ કાર્યવાહી કરે છે.”
તેમણે કહ્યું, “એવું ક્યાંય નથી લખ્યું કે જો તમારી પાસે ખોટી રીતે રૂપિયા આવ્યા હશે, કંઈક આપત્તિજનક હશે અને તેમની સામે તપાસ એજન્સીઓ કાર્યવાહી નહીં કરી શકે.”
ઑગસ્ટમાં પણ આ ન્યૂઝ પોર્ટલ ચર્ચામાં હતું. આ વેબસાઇટનો હવાલો આપતા એ સમયે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું.
તેમણે આરોપ લગાવ્યો હતો, “રાહુલજીની નકલી મોહબ્બતની દુકાનમાં ચીનનો માલ દેખાવા લાગ્યો છે.”
તેમણે આરોપ લગાવ્યો હતો કે એક એજન્ડા હેઠળ ભારતનો દુષ્પ્રચાર કરાય છે.
અનુરાગ ઠાકુરે ઑગસ્ટમાં કહ્યું હતું, “અમે 2021માં જ ન્યૂઝક્લિક વિશે ખુલાસો કર્યો હતો કે કેવી રીતે ભારત વિરુદ્ધમાં વિદેશીઓનો હાથ છે. કેવી રીતે વિદેશી પ્રોપગૅન્ડા ભારત વિરુદ્ધ છે અને ઍન્ટી ઇન્ડિયા, બ્રૅક ઇન્ડિયા કેમ્પેઇનમાં કૉંગ્રેસ અને વિપક્ષીદળો તેમના સમર્થનમાં સામે આવ્યા.”
તેમણે ત્યારે આરોપ લગાવ્યો હતો કે ચીનની કંપનીઓ ન્યૂઝક્લિકને નેવિલ રૉય સિંઘમના માધ્યમથી ફંડ આપી રહી હતી પણ તેમના જે સેલ્સમેન છે તે ભારતીય છે અને જ્યારે ભારત સરકારે ન્યૂઝ વેબસાઇટ સામે કાર્યવાહી કરી તો આ લોકો તેમના સમર્થનમાં આવી ગયા.