"મિ.ગાંધી જેવા રાજદ્રોહી, મિડલ ટેમ્પલ વકીલનું અર્ધનગ્ન હાલતમાં વાયસરૉયના મહેલની સીડીઓ ચડવું અને રાજાના પ્રતિનિધિ સાથે આંખમાં આંખ નાખીને વાત કરવું એ અત્યંત ખતરનાક અને ઘૃણાસ્પદ હતું."
ચર્ચિલનું આ વિધાન ઇતિહાસમાં અંકિત થયેલું છે. આ ત્યારની વાત છે કે જ્યારે ગાંધી 1931માં બ્રિટનના રાજા જ્યૉર્જ પંચમના આમંત્રણે બકિંગહામ પેલેસ ગયા હતા.
ત્યારે ગાંધીજીએ તેમની ટૂંકી ધોતી પહેરી હતી જેને અંગ્રેજો લંગોટ કહેતા હતા.
ગાંધીજીના પ્રપૌત્ર અને તેમના પર અનેક પુસ્તકો લખી ચૂકેલા તુષાર ગાંધી માને છે તેમની આ ટૂંકી ધોતીનો તેમણે અંગ્રેજો સામે એક સ્ટ્રેટેજી તરીકે ઉપયોગ કર્યો હતો.
તુષાર ગાંધી કહે છે કે, "અંગ્રેજોને એવી આદત પડી ગઈ હતી કે જ્યારે કોઈ ભારતીય નેતા તેમને મળવા આવે ત્યારે તે સૂટબૂટમાં તૈયાર થઈને અથવા તો અંગ્રેજ સ્ટાઇલમાં મળવા આવતા હતા. તેના કારણે અંગ્રેજોને સહજતા લાગતી હતી."
"જ્યારે ગાંધીજીએ એવું ન કર્યું ત્યારે તેઓ પરેશાન થઈ ગયા કે આ માણસ તો આપણા જેવો દેખાવાનો પ્રયત્ન પણ નથી કરતો. ગોળમેજી પરિષદમાં આપણા રાજા સામે ગાંધીજી અર્ધનગ્ન અવસ્થામાં જશે એમ વિચારીને તો અંગ્રેજોને આઘાત જ લાગી ગયો હતો. ગાંધીજી એક મનોવૈજ્ઞાનિક રમત રમી રહ્યા હતા."
જો કે, ગાંધીજીની શરૂઆતની તસવીરોમાં તમે તેમને સૂટ અને બૂટમાં જોઈ શકો છો અને બાદમાં તેઓ ગુજરાતના કાઠિયાવાડી પોશાકમાં પણ જોવા મળે છે.
સવાલ એ છે કે ગાંધીજીની આ ટૂંકી ધોતી અને ચાદર કે જે આગળ જતા તેમની ઓળખ બની ગઈ તે ક્યારે અને કેવી રીતે અસ્તિત્વમાં આવી. કારણ કે તે દેશ-વિદેશમાં એક પ્રતીક સમાન બની ગઈ હતી.
આ વાત 1921ની છે જ્યારે ગાંધીજી તમિલનાડુના મદુરાઈમાં હતા. ત્યાં સુધીમાં ગાંધીજીએ નક્કી કરી લીધું હતું કે તેઓ માત્ર સ્વદેશી વસ્ત્રો જ પહેરશે. વિદેશી કપડાં સળગાવવાની તેમની હાકલ એક ચળવળ બની ગઈ હતી.
તમિલનાડુમાં ટ્રેનની મુસાફરી દરમિયાન, જ્યારે તેઓ સામાન્ય રેલવે મુસાફરો સાથે વાત કરી રહ્યા હતા. ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું કે ઘણા ગરીબ લોકો પાસે પૈસા ન હોવાથી તેઓ તેમના જૂનાં કપડાંને બાળીને ખાદીનાં નવાં કપડાં ખરીદી શકતા નથી.
ગાંધી તેમની ટ્રેન યાત્રા વિશે લખે છે, "મેં ટ્રેનની ભીડમાં એ જોયું કે આ લોકોને સ્વદેશી ચળવળ સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે તો વિદેશી કપડાં પહેર્યાં હતાં. જ્યારે મેં તેમની સાથે વાત કરી તો ઘણા લોકોએ કહ્યું કે તેમના માટે મોંઘી ખાદી ખરીદવી શક્ય નથી."
"મેં ટોપી, ફુલ ધોતી અને શર્ટ પહેરેલ હતાં. પછી મેં વિચાર્યું કે આનો હું એવો શું જવાબ આપી શકું કે જેથી શાલીનતાની મર્યાદામાં રહીને હું મારા શરીર પરનાં વસ્ત્રો છોડી દઉં અને મારી જાતને આ લોકોની સમકક્ષ બનાવી દઉં. મદુરાઈમાં મીટિંગ પછી બીજા જ દિવસે મેં તેનો અમલ કરવાનું નક્કી કર્યું."
22 સપ્ટેમ્બર, 1921ના રોજ ગાંધીજીએ તેમનો જૂનો પોશાક છોડીને માત્ર એક ધોતી અને એક ચાદરને અપનાવી લીધા.
તુષાર ગાંધી કહે છે કે આ બદલાવ અચાનક આવ્યો ન હતો.
તેઓ કહે છે, "ગાંધીજી જ્યારે વકીલાત કરવા ગયા ત્યારે તેમણે પોતાના માટે સૂટ-બૂટ સિવડાવ્યા હતા. તેમની આત્મકથામાં તેઓ લખે છે કે શરૂઆતમાં તેઓ તેમના કપડાંનાં મામલે ખૂબ સજાગ રહેતા હતા."
"ઇંગ્લૅન્ડમાં તેમણે ફેશન પ્રમાણે ફેન્સી હૅટ પહેરવાનું ચાલુ કરી દીધું, કૉબ વૉચ ખરીદી હતી. જ્યારે તેઓ દક્ષિણ આફ્રિકા આવ્યા ત્યારે ત્યાંના વકીલોની જેમ અલગ-અલગ કપડાંઓ પહેરવા લાગ્યા."
"પરંતુ જ્યારે તેઓ દક્ષિણ આફ્રિકામાં અલગ-અલગ મુદ્દે સત્યાગ્રહ કરવા લાગ્યા એ સમયથી જ ગાંધીજીમાં ધીમે ધીમે બદલાવો જોવા મળ્યા હતા અને તેમને લાગ્યું હતું કે જિંદગીની ભૌતિક જરૂરિયાતોને ઓછી કરી દેવી જોઇએ.”
ગાંધીજી કપડાંનાં માધ્યમથી સંદેશ આપવાના મહત્ત્વને સમજતા હતા.
તુષાર ગાંધી કહે છે કે, "દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ સમયે તમે તેમનામાં આવેલો મોટો બદલાવ જોઈ શકો છો."
"તમને જોવા મળશે કે ત્યાં ગાંધીજીએ લાંબો કુર્તો અને લુંગી પહેરી હતી. ત્યાંના સત્યાગ્રહમાં માર્યા ગયેલા ભારતીય તમિલોનો સાથ આપવા અને શ્રદ્ધાંજલિ આપવાનો તેમનો રસ્તો હતો."