
ઇટાલિયન આલ્પ્લસના એક ખૂણામાં સુદાની અને અફઘાન લોકોની લાંબી કતાર લાગેલી છે. તેઓ સ્વાતંત્ર્યના પ્રવાસની આશામાં મજબૂત સ્નીકર્સના બદલામાં હાઈકિંગ બૂટ અને ફ્લિપ-ફ્લોપ્સની આપ-લે કરી રહ્યા છે.
આશરે 150 લોકો નયનરમ્ય નગર ઓલુક્સ ખાતેના કામચલાઉ કૅમ્પમાં આવી પહોંચ્યા છે. કૅમ્પનું સંચાલન સ્થાનિક સ્વયંસેવકો કરી રહ્યા છે. તેઓ સ્થળાંતરકર્તાઓને, દાનમાં મળેલા કોટ આપે છે, જેથી તેમની મુશ્કેલીભર્યા આગામી પ્રવાસમાં પર્વતીય તાપમાન સામે ટકી રહેવામાં મદદ મળે.
તેનું કારણ એ છે કે સમગ્ર આફ્રિકા અને મધ્ય પૂર્વમાંથી ઇટાલી પહોંચ્યા પછી પણ પુરુષોનું આ જૂથ (જેમાં મોટા ભાગના યુવાનો છે) ફ્રાંસ અને તેની આગળ જવા ઈચ્છે છે. દક્ષિણ ઇટાલીના લેમ્પેડુસા ટાપુ પર બોટ મારફત આ વર્ષે 1,30,000થી વધુ માઇગ્રન્ટ્સ પ્રવેશ્યા છે. આ સંખ્યા 2021ના સમાન સમયગાળાની સંખ્યા કરતાં લગભગ બમણી છે.
ફ્રાંસની ઉત્તર તરફ જતા લોકોની સંખ્યા આ વર્ષે બમણી થઈ ગઈ છે, પરંતુ ફ્રાંસના અધિકારીઓ દસ્તાવેજ વિનાના લોકોને અટકાયતમાં લઈને પાછા મોકલી રહ્યા છે. ઇટાલી સાથેની પોતાની સીમા પર તેમણે તપાસ ફરી શરૂ કરી છે અને શેંગેન ફ્રી મૂવમૅન્ટ કરારના કેટલાક હિસ્સાને સસ્પેન્ડ કર્યો છે.
યુરોપના ન્યાયાલયે તાજેતરમાં એવો ચૂકાદો આપ્યો હતો કે લોકોને પાછા મોકલવા તે યુરોપિયન સંઘના કાયદાનું ઉલ્લંઘન છે અને અટકાયતમાં લેવાયેલા માઈગ્રન્ટ્સને પાછા મોકલવાનું પગલું સત્તાવાર નિર્ણયને આધિન હોવું જોઈએ. માઈગ્રન્ટ્સને બળજબરીથી પાછા મોકલવાનો નિર્ણય “છેલ્લો ઉપાય” હોવો જોઈએ.
ફ્રાંસ સુધીનો પ્રવાસ કરવા ઈચ્છતા લોકો પૈકીના એક નાઈજીરિયાના ઓમર છે. ભૂમધ્ય સમુદ્રમાં લેમ્પેડુસા સુધીની ખતરનાક મુસાફરી કરવા માટે દાણચોરોને 800 ડૉલર જેટલાં નાણાં ચૂકવ્યા પહેલાં તેમણે લીબિયામાં અનેક મહિના પસાર કર્યા હતા.
એ પછી ઓમરને ઇટાલીના અન્ય વિસ્તારમાંના બે માઈગ્રન્ટ્સ કૅમ્પ્સમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. હવે તેમનું લક્ષ્ય બ્રિટન પહોંચવાનું છે. દરિયાઈ પ્રવાસ દરમિયાન તેમના પગમાં ઈજા થઈ હતી. તેના પર પાટો બાંધેલો છે. ઓમર કહે છે, “મારે ત્યાં પહોંચીને અભ્યાસ કરવો છે અને સારું જીવન જીવવું છે.”
હું તેને પૂછું છું કે ફ્રાન્સ અથવા બ્રિટનમાં આશ્રય આપવાના ઇનકાર પછી સ્વદેશ પાછા મોકલવામાં આવેલા, આર્થિક કારણોસર સ્થળાંતર કરતા લોકોની કથાઓ તમે સાંભળી છે, તેના ફોટોગ્રાફ્સ જોયા છે?
મારી હાલત પણ સમાન છે અને હું ફરીથી પ્રયાસ કરીશ, એમ જણાવતાં ઓમર ઉમેરે છે, “હું નાઈજીરિયા પાછો ફરીશ તો મારાં માતા-પિતા બહુ દુઃખી થશે, કારણ કે તેમનાં સપનાં સાકાર નહીં થાય.”
કેટલાકને વહેલી નિષ્ફળતા મળે છે. સરહદ પાર કરતાં પહેલાં પકડી પાડવામાં આવેલા ઈજિપ્તના સ્થળાંતરકર્તાઓને પાછા કામચલાઉ કૅમ્પમાં લઈ જતી કાર અમારી સામેથી પસાર થાય છે.
સરહદ આ બાજુ બહુ ઓછી ચોકીઓ છે અને એલીના નામનાં એક સ્વયંસેવિકા જણાવે છે કે તેણે ચોકી પર બે મહિનામાં બે કે ત્રણ ગાર્ડ્ઝને જ જોયા છે.
સવાલ એ થાય કે ઇટાલિયન પોલીસ આંખ આડા કાન કરી રહી છે?
એલીના કહે છે, “અહીં અમે શું કરી રહ્યાં છીએ એ તેઓ બરાબર જાણે છે. આ લોકો અહીં શા માટે આવે છે તે પણ તેઓ જાણે છે. જાણે કોઈ રમત ચાલતી હોય તેવું લાગે છે, પરંતુ તેઓ કશું ન જાણતા હોવાનો ડોળ કરે છે.”
મેં તેને કહ્યું કે કેટલાક લોકો ગેરકાયદે પ્રવાસને પ્રોત્સાહિત કરવાના તેના કામ બાબતે વિચાર કરશે. ઇટાલીમાંના સ્થળાંતરકર્તાઓને મદદ કરતા સ્વૈચ્છિક સંગઠનોને આર્થિક સહાય આપવા બદલ, ઇટાલીનાં વડાં પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ગયા સપ્તાહે જર્મન સરકારની ઝાટકણી કાઢી હતી અને તેને 'પ્રોત્સાહક કૃત્ય' ગણાવ્યું હતું.
એલીના કહે છે, “મને કોઈ ફરક પડતો નથી. મદદની જરૂર હોય એવી કોઈ વ્યક્તિને તમે જુઓ અને તમે પહાડમાં પ્રવાસના જોખમને જાણતા હો તો એવા લોકોને મદદ નહીં કરો? આ તો આખા યુરોપની જવાબદારી છે.”