કૅનેડા વિસ્તારની દૃષ્ટિએ વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે. પૂર્વથી પશ્ચિમ દિશામાં કૅનેડાનું અંતર 4700 માઇલ એટલે કે અંદાજે 7560 કિલોમીટર છે. કૅનેડા એટલો મોટો દેશ છે કે તેને સારી રીતે ચલાવવા કુલ છ ટાઇમ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે.
પરંતુ વસ્તીની દૃષ્ટિએ જોઈએ તો એ વિશ્વની કુલ વસ્તીના અડધા ટકાથી પણ ઓછી વસ્તી ધરાવે છે.
વર્લ્ડ પોપ્યુલેશન મીટર પ્રમાણે 2023માં કૅનેડાની વસ્તી માત્ર ત્રણ કરોડ અઠ્યાશી લાખ જેટલી જ છે.
ભારતનો કુલ જમીન વિસ્તાર 29 લાખ 73 હજાર 190 વર્ગ કિમી છે જ્યારે કૅનેડાનો કુલ જમીન વિસ્તાર 90 લાખ 93 હજાર 510 કિમી છે.
એટલે ભારત કરતાં લગભગ ત્રણ ગણો જમીન વિસ્તાર ધરાવતું હોવા છતાં કૅનેડાની વસ્તી તો ગુજરાત કરતાં પણ અડધી છે. પ્રતિ વર્ગ કિલોમીટર ત્યાં માત્ર ચાર લોકો રહે છે.
આ સિવાય કૅનેડામાં રાજ્યવાર વસ્તીનું પણ ભારે અસંતુલન જોવા મળે છે.
ઘણા જાણકારોના મતે કૅનેડાની અતિશય વૈવિધ્યપૂર્ણ ભૌગોલિક પરિસ્થિતિ અને હવામાન તેના માટે જવાબદાર ગણાય છે.
આ લેખમાં આપણે તેના કારણો જાણવાનો પ્રયત્ન કરીશું.
કૅનેડાની મોટા ભાગની વસ્તી તેની અમેરિકા સાથે જોડાયેલી સરહદે આવેલાં રાજ્યોમાં જ રહે છે. એટલે કે તેના દક્ષિણી ભાગમાં જ મોટા ભાગના લોકો રહે છે.
કૅનેડાની અંદાજે 98 ટકા વસ્તી દક્ષિણી કૅનેડામાં આવેલાં રાજ્યો જેવાં કે બ્રિટિશ કૉલંબિયા, અલ્બર્ટા, સાસ્કાયેવાન, મનિતોબા, ઑન્ટારિયો, ક્યુબેક, નોવા સ્કોટિઆ અને ન્યૂ બ્રુન્સવિકમાં રહે છે.
આ સિવાય અંદાજે 80 ટકાથી વધુ લોકો અમેરિકાની બૉર્ડરથી નજીકના 100 કિલોમીટરના વિસ્તારમાં જ રહે છે.
જ્યારે કૅનેડાનાં ઉત્તરી રાજ્યો યુકોન, નૉર્થવેસ્ટ અને નુનાવુતમાં કૅનેડાની માત્ર 1 લાખ 30 હજાર જેટલી વસ્તી જ રહે છે.
‘નોર્ધન ટેરિટરીઝ’ તરીકે ઓળખાતાં આ ત્રણ રાજ્યો એ કૅનેડાનો 33 ટકા જમીન વિસ્તાર ધરાવે છે.