એક એવું ક્ષેત્ર કે જ્યાં લગભગ વીસ લાખની વસ્તીમાં અડધાથી વધુ વસ્તી બાળકો છે, ત્યાં યુદ્ધનો પ્રભાવ સૌથી વધુ ગંભીર જ હોવાનો.
બાળકો પર વર્ષો સુધી તેની ખરાબ અસર પડી શકે છે. કેટલાક લોકોના મનમાં એ સવાલ પણ થશે કે માતા-પિતા પોતાનાં બાળકોને યુદ્ધના પ્રભાવમાંથી કેવી રીતે બચાવશે.
શું આ દરમિયાન બાળકોની મનોવૈજ્ઞાનિક દેખરેખ રાખવાનો કોઈ રસ્તો છે?
આ રિપોર્ટમાં અમે ગાઝાપટ્ટીમાં ઇઝરાયલી બૉમ્બમારાના પડછાયામાં રહેનારા એવા પરિવારોની કહાણી વર્ણવી છે કે જેમણે ગાઝાપટ્ટીમાં વારંવાર યુદ્ધો જોયા છે પરંતુ વર્તમાન યુદ્ધને તેઓ પહેલાના યુદ્ધોથી અલગ ગણાવે છે.
પત્રકાર હન્નાન અબૂ દગીમે વૉટ્સઍપ પર મારી સાથે કરેલી સંક્ષિપ્ત વાતચીતમાં કહ્યું કે તેમણે પોતાના બાળકો સાથે રહેવા માટે આ પરિસ્થિતિમાં તેમનો વ્યવસાય છોડી દીધો.
તેમનું કહેવું હતું કે, "અલ રમલ મહોલ્લામાં મારા ઘરને બહુ નુકસાન પહોંચ્યું હતું. કેટલાક દિવસો પછી હું ત્યાંથી મારા ભાઈના ઘરે આવી ગઈ."
"ત્યાં ત્રણ પરિવારોએ એકસાથે રાત વિતાવી હતી. જ્યારે બૉમ્બમારામાં વધારો થાય છે ત્યારે બાળકો દુઆ પઢવાનું ચાલું કરી દે છે.
"આવા સમયે હું બાળકોને એકઠા કરું છું અને તેમની સાથે રમીને તેમનું ધ્યાન હઠાવવાની કોશિશ કરું છું."
"પણ મને મારા મનને શાંત રાખવા માટે કોઈ અન્ય વ્યક્તિની જરૂર પડે છે. હું તેમને કહું છું કે આ એક સંકટ છે અને તે પસાર થઈ જશે, ભગવાન અમારી સાથે છે."
હન્નાન કે જેઓ આ પરિસ્થિતિમાં પણ પત્રકારની ભૂમિકા અદા કરી રહ્યા છે તેઓ કહે છે કે, "હું માનું છું કે પરિવારની સુરક્ષા મારી પ્રાથમિકતા છે."
તેઓ કહે છે, "હું તમને વિશ્વાસ અપાવું છું કે ગાઝા પટ્ટીમાં દરેક લોકો એ વાતે એકમત છે કે પોતાના બાળકો સાથે એક જ ઓરડામાં ઊંઘવું જેથી કોઈ બૉમ્બ ઘર પર પડે તો બધાં એકીસાથે મરી જઈએ."
આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે જીવતા રહેવાની પરિસ્થિતિમાં પરિવાર એકસાથે જ રહે. અને કોઈ જીવિત ન રહે તો કોઇને કોઇનું માતમ ન કરવું પડે.
જ્યારે બૉમ્બમારો બંધ થશે ત્યારે હું તને એક સારી ભેટ આપીશ’
ગાઝાપટ્ટીની દક્ષિણે આવેલા ખાન યુનુસમાં રહેનાર સહર કમાલનાં બે બાળકો છે. જ્યારે બૉમ્બમારામાં વધારો થાય છે ત્યારે તેમની 4 વર્ષની બાળકી રેતલ બૉમ્બમારાના ડરામણા અવાજની ફરિયાદ કરવા લાગે છે.
એટલે સહર તેને વચન આપે છે કે હાલત સુધરતા તેઓ તેને એક સુંદર ભેટ આપશે.
સહર તેના બે વર્ષના બાળકને પણ હસાવવા માટે સતત મહેનત કરે છે.
5 બાળકોનાં 30 વર્ષીય માતા લૈલા મોહમ્મદ કહે છે કે એક માં તરીકે મારાં બાળકો માટે હું કાયમ ડરેલી રહું છું અને તેમની સુરક્ષા માટે પ્રયત્ન કરતી રહું છું. કારણ કે બહાર નીકળવું અને બેઘર થવું એ તો આનાથી પણ મુશ્કેલ છે.
તેઓ કહે છે કે આ યુદ્ધમાં કોઈ જગ્યા સુરક્ષિત નથી અને ભૂતકાળના યુદ્ધોમાં બીજી જગ્યાએ જવાના અનુભવને યાદ કરતા જ અમે ડરી જઈએ છીએ.
"મારી દીકરીને એવું લાગે છે કે મિસાઇલ ગલીમાંથી પસાર થતા દરેક વ્યક્તિનો પીછો કરે છે કારણ કે અમે પહેલા પણ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યા છીએ અને તે તેના ડરે છે."
મુનાલ સાલિમ માટે પણ સ્થિતિ આવી જ છે. તેમનું કહેવું છે કે હું બાળકો માટે તરત જ રમકડાંઓની વ્યવસ્થા કરવામાં લાગી જાઉં છું જેથી તેઓ બૉમ્બના અવાજ પર ધ્યાન ન આપે.
તેમનું કહેવું હતું કે,"મારો દીકરો ફારસ કે જે આઠ વર્ષનો છે, તેને વારેવારે બાથરૂમ જવું પડે છે અને કેટલીકવાર તે ડરને કારણે પોતાના પર જ પેશાબ કરી દે છે."
"તેને વિમાનોના અવાજથી પણ નફરત છે. હું ઇચ્છું છું કે બાળકોના ઇલાજ માટે હું મનોવૈજ્ઞાનિક પાસે જાઉં અને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકું. "
‘બાળકની નજમનો અવાજ મિસાઇલના ધડાકા કરતાં ઝાઝો હતો’
ઈમાન બશીર આ યુદ્ધને ભૂતકાળનાં યુદ્ધો કરતાં જુદાં માને છે. તેઓ ત્રણ બાળકનાં માતા છ અને મેં તેમની સાથે વર્ષ 2021માં ગાઝા પર ગત યુદ્ધ દરમિયાન વાત કરેલી. ત્યારે તેમણે મને પોતાનાં બાળકોને યુદ્ધની અસરનો સામનો કરવા માટે મનોવૈજ્ઞાનિક રીતે મદદ કરવાના આશયથી કેટલાક વ્યક્તિગત પ્રયાસો વિશે જણાવેલું.
જેમ કે બૉમ્બમારા દરમિયાન કહાણી વાંચવી અ જો બૉમ્બમારાનો અવાજ વધુ ઊંચો હોય તો ઊંચા અવાજે સ્પીકર પર ગીત ચલાવી દેવાં જેથી બાળકોને બહાર મિસાઇલનો અવાજ ન સંભળાય.
પરંતુ હવે 7 ઑક્ટોબરની સવારે શરૂ થનારા આ યુદ્ધ દરમિયાન ઈમાન વૉટ્સઍપ મારફતે એક અત્યંત સંક્ષિપ્ત સંદેશમાં જણાવે છે, "આ વખતનું યુદ્ધ અલગ છે, સ્થિતિ અત્યંત ખરાબ છે. મને નથી ખબર કે હવે શું કરું, કારણ કે મારા પતિ દેશની બહાર છે અને મારાં ત્રણ બાળકો છે. અને પરિસ્થિતિ એટલા માટે પણ વણસતી જઈ રહી છે, કારણ કે વીજળી નથી, તેથી મને નથી ખબર કે હું શું કરું. બસ, અમારા માટે દુવા કરો."
ઈમાને એક્સ (ટ્વિટર) પર યુદ્ધ દરમિયાન ગાઝા પટ્ટીમાં જે કાંઈક થઈ રહ્યું છે, એનો ચિતાર શૅર કર્યો છે. જે પૈકી કેટલીક બાબતોનું વર્ણન કરવાનું કાર્ય તેમના માટે દુ:ખભર્યું છે, જેમાં એ મોહલ્લા પર બૉમ્બમારાની વાતેય સામેલ છે જ્યાં તેમના પરિવારજનો અમુક દિવસ પહેલાં રહી રહ્યા હતા.
‘સેવ ધ ચિલ્ડ્રન’એ ગત વર્ષે એક રિપોર્ટ જાહેર કરેલો, જેમાં હાલનાં વર્ષોમાં ગાઝા પટ્ટીમાં બાળકોની મનોવૈજ્ઞાનિક સ્થિતિની સરખામણી રજૂ કરાઈ હતી. અને જણાવાયું હતું કે વર્ષ 2022માં લગભગ 88 ટકા બાળકો મનોવૈજ્ઞાનિક સમસ્યાનાં શિકાર બન્યા જ્યારે આ પહેલાંનાં વર્ષોમાં આ દર 55 ટકા હતો.
રિપોર્ટ અનુસાર બાળકો જે મનોવૈજ્ઞાનિક સમસ્યાઓનો સામનો કરે છે, અને જે સમસ્યાનો દર વધતો જઈ રહ્યો છે, તેમાં ગભરાટ, બેચેની અને અત્યંત ઉદાસી સામેલ છે.