
ઑક્ટોબરથી આઈસીસી મૅન્સ વનડે વર્લ્ડકપની શરૂઆત થઈ ચૂકી છે.
મેજબાન ભારતની ટીમ પોતાની પ્રથમ બે મૅચોમાં આસાનીથી વિજય મેળવીને ત્રીજી અને રોમાંચક મૅચમાં ક્રિકેટિંગ જગતના જાની-દુશ્મન પાકિસ્તાનની ટીમ સાથે શનિવારે ટકરાવવા સજ્જ જણાઈ રહી છે.
આમ તો આ બંને ટીમો વચ્ચેના રોમાંચક મુકાબલાની પ્રશંસકો કાગડોળે રાહ જોતા હોય છે.
પરંતુ વર્લ્ડકપની બાબતમાં આ મુકાબલાના ‘રોમાંચ’નું સ્તર એક અલગ જ ઊંચાઈએ પહોંચી જાય છે.
વનડે વર્લ્ડકપમાં અત્યાર સુધી પાકિસ્તાનના પર્ફૉમન્સની વાત કરીએ તો પોતાની બંને મૅચોમાં જીત સાથે પાકિસ્તાની ટીમેય ફૉર્મમાં જણાઈ રહી છે.
જ્યારે ભારત -પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ મુકાબલાના રોમાંચની વાત કરીએ તો બંને દેશો વચ્ચે થયેલા આવા ઘણા રોમાંચક મુકાબલા લોકોની સ્મૃતિમાં અંકિત થઈ ચૂક્યા છે.
પરંતુ તેમાં પણ જેની વાતમાત્રથી ભારતીય ક્રિકેટપ્રેમીઓનાં શરીર પરનાં રૂવાં ઊભાં થઈ જાય તેવો અને જેની યાદ હજુ તાજી જ લાગે તેવો એક મુકાબલો યાદ કરવો હોય તો તેમાં મોટા ભાગના લોકો વર્ષ 2007ની પ્રથમ ટી20 વર્લ્ડકપની ફાઇનલના ભારત-પાકિસ્તાનના મુકાબલા પર જરૂર પસંદગી ઉતારશે.
એ મૅચની વાત જ કંઈક એવી હતી. ક્રિકેટજગતના સૌથી મોટી હરીફ ટીમો પૈકી ભારત-પાકિસ્તાનના ગજગ્રાહની સાથોસાથ ફાઇનલ મુકાબલાના તણાવમાં બંને ટીમો તરફથી કરાયેલ યાદગાર પ્રદર્શનને કારણે એ મૅચ ભારત-પાકિસ્તાન સિવાય દુનિયાભરના ક્રિકેટચાહકો માટે ‘રોમાંચ અને મનોરંજનનો ભંડાર’ પુરવાર થયેલી.
પરંતુ આ મૅચની યાદગાર ક્ષણોમાં એક ભૂલનો પણ સમાવેશ થાય છે. કદાચ એ મૅચ જેટલી યાદગાર એ ભૂલ પણ બની ગઈ છે.
પાકિસ્તાનના દિગ્ગજ, એ સમયે ઇન-ફૉર્મ બૅટ્સમૅને મૅચમાં એક એવી ભૂલ કરેલી કે જેના કારણે મૅચનું આખું પાસું જ પલટાઈ ગયેલું અને વર્લ્ડકપ જાણે ભારતની ઝોળીમાં આવી પડેલો.
24 સપ્ટેમ્બર, 2007નો એ દિવસ ભારતના દરેક ક્રિકેટપ્રેમીના મનમાં ઉત્સાહવર્ધક યાદો છોડી ગયો છે.
એ જ દિવસે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે પ્રથમ ટી20 વર્લ્ડકપ ફાઇનલમાં ભારતની યુવાન ખેલાડીઓથી સજ્જ ટીમે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં પરંપરાગત હરીફ ટીમ પાકિસ્તાન સામે માત્ર 158 રનનું લક્ષ્ય મૂક્યું હતું.
હજુ થોડા મહિના પહેલાં જ દિગ્ગજ સિનિયરોથી સજ્જ ભારતીય ટીમ ગ્રૂપ સ્ટેજમાં જ બાંગ્લાદેશ સામે કારમા પરાજય બાદ ‘વીલા મોઢે’ પરત ફરી હતી. સામેની બાજુએ પાકિસ્તાનની ટીમેય ગ્રૂપ સ્ટેજમાં જ બહાર થઈ ગઈ હતી.
પરંતુ અમુક મહિનામાં જ ક્રિકેટજગતના આ હરીફો ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં એકબીજાની સામે હતા.
ભારતની દિગ્ગજ ત્રિપુટી સચીન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલીને આરામ આપવાનો નિર્ણય કરી ટીમ મૅનેજમૅન્ટે મહેન્દ્રસિંહ ધોનીને કપ્તાની સોંપી હતી.
સેહવાગ, યુવરાજસિંહ જેવા પ્રમાણસર અનુભવી ક્રિકેટરો હોવા છતાં ભારતીય મૅનેજમૅન્ટે આ વખત નવા-યુવાન ખેલાડીઓ પર દાવ રમ્યો હતો.
ફાઇનલમાં ઓપનર ગૌતમ ગંભીર અને યુસુફ પઠાણ શરૂઆતથી આક્રમક દેખાઈ રહ્યા હતા. પરંતુ તાબડતોડ શરૂઆત બાદ પાંચ ઓવરમાં જ ભારતે 40 રનના સ્કોરે બે વિકેટ ગુમાવી દીધી હતી.
પરંતુ અહીંથી બાજી ઓપનર ગંભીર અને ઇન-ફૉર્મ બૅટ્સમૅન યુવરાજસિંહ સંભાળી લીધેલી. આ જોડીએ વધુ 63 રન જોડ્યા હતા. આ મૅચમાં યુવરાજસિંહ સેમિફાઇનલ જેવા આક્રમક મૂડમાં નહોતા દેખાઈ રહ્યા.
બાદની ઓવરોમાં યુવરાજ સહિત ધોનીને પેવેલિયન મોકલી પાકિસ્તાની ટીમ ભારતીય ટીમને 14 ઓવરમાં 111 રન સુધી સીમિત રાખવામાં સફળ રહી હતી.
શરૂઆતથી લગભગ અંત સુધી બેટિંગ કરનાર ગંભીર અણીના સમયે ટીમના તારણહાર બનીને સામે આવ્યા હતા. તેઓ 54 બૉલમાં 75 રનનું સરાહનીય યોગદાન કરીને ઉમર ગુલના બૉલે આઉટ થયા. તે બાદ રોહિત શર્માએ 16 બૉલમાં આક્રમક અંદાજમાં 30 રન ફટકારીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં ભૂમિકા ભજવેલી.
આ મૅચમાં પાકિસ્તાન વતી સૌથી વધુ ત્રણ વિકેટ ઉમર ગુલને મળી હતી. જ્યારે આસિફ અને તનવીરને એક-એક વિકેટ મળી હતી.